- કલોલમાં બેદી બ્લાસ્ટ મામલો
- સ્થાનિક તંત્રની કોઈ કામગીરી નહીં હોવાનો આક્ષેપ
- આક્ષેપ સાથે સોસાયટીના રહીશો ઉતર્યા ઉપવાસ પર
ગાંધીનગરઃ કલોલ તાલુકામાં આવેલી પંચવટી ગાર્ડન સિટીના બે મકાનોમાં ગેસ ભરાવાના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં બે મકાનો જમીનદોસ્ત થયા હતા. આ બ્લાસ્ટમાં સોસાયટીની આસપાસના મકાનોના પણ કાચ તૂટયા હતા, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાઇ ના હોવાના આક્ષેપ સાથે આજે (બુધવાર) સોસાયટીના રહીશોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
સ્થાનિક લોકો કરી રહ્યા છે આંદોલન
મળતી માહિતી પ્રમાણે કલોલમાં જે બ્લાસ્ટ થયો હતો, તેમાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો અને તંત્ર દ્વારા હજી સુધી કોઈ જ પ્રકારના નક્કર પગલાં લેવામાં ન આવતા પંચવટી ગાર્ડન સિટીના રહીશો ઉપવાસ પર ઉતર્યા છે.
સોસાયટીની નીચેથી પાઇપલાઇન પસાર થતી નથી
મંગળવારે વહેલી સવારે કલોલ પંચવટી ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાનોમાં તડાકા પીર બ્લાસ્ટ થયા હતા. જેનું પ્રાથમિક તારણ ઓએનજીસીની પાઇપલાઇનમાંથી ગેસ બહાર આવી રહ્યા હોવાની વાત સામે આવી હતી, પરંતુ ઓએનજીસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઓરેન્જ સુધીની કોઈ પ્રકારની પાઇપલાઇન સોસાયટી નીચેથી પસાર થતી નથી. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બંધ ઘરમાં ગેસ ભરાવાને કારણે બ્લાસ્ટ થયાનું અનુમાન આપવામાં આવ્યું છે. જેમાં બંધ મકાનનાં ભોંય તળિયેથી ગેસ લીક થવાનું અનુમાન છે. જ્યારે બંધ મકાનનાં બારી-બારણાં બંધ હોવાથી ગેસ ભરાયો હોઈ શકે, ગેસનો હદ કરતાં વધારે ભરાવો થતાં એકાએક બ્લાસ્ટ થયાનું અનુમાન સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે.
બ્લસ્ટમાં 1 વ્યક્તિનું મોત, 2 ઇજાગ્રસ્ત
કલોલ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જ્યારે બની હતી, ત્યારે બે લોકોના મોત થયા હોવાના પણ અહેવાલો વહેતા થયા હતા, પરંતુ ગાંધીનગર કલેકટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ ઘટનામાં ફક્ત એક જ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે બે વ્યક્તિઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
સરકાર તરફથી કોઈ જાહેરાત નહીં એટલે ઉપવાસ
ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલી પંચવટી ગાર્ડન સિટી સોસાયટીમાં જે ગેસ પર આવવાના કારણે બ્લાસ્ટ થયો હતો. તેમાં સરકાર દ્વારા કોઈપણ સહાયતાની જાહેરાત ન કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશો આજે સવારથી જ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, ત્યારે જો સરકાર સહાય જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી સોસાયટીના રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.