ગાંધીનગર પાસે આવેલા સરગાસણ ગામમાં સ્મશાન પાસે આવેલી કેપિટલ ફ્લોરા નામની સ્કીમમાં પાણી સોસ કુવાની જગ્યાએ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું હોવાના કારણે ગટર ઉભરાઈ રહી હતી. જેના કારણે બાજુમાં રહેલો ખુલ્લો પ્લોટ ગંદકીથી લથબથ થઈ ગયો હતો. ગામમાં રહેતા લોકોને ગંદકીમાંથી પસાર થઈને આવન જાવન કરવું પડતું હતું. જેને લઇને અનેક વખત ગુડાની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી. બિલ્ડરને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ બિલ્ડર દ્વારા તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો તેવો જવાબ આપવામાં આવતા ગ્રામજનો ઉશ્કેરાઇ ગયા હતા. જેને લઈને બિલ્ડરની ઓફિસમાં ઘેરાવ કર્યો હતો.
ગામના વિણાબા વાઘેલાએ કહ્યું કે, બિલ્ડર દ્વારા ગુડાના ખુલ્લા પ્લોટમાં ગંદકી કરવામાં આવી રહી છે. અહીં ગટરનું પાણી બાજુના ખુલ્લા પ્લોટમાં વહી રહ્યું છે. પરિણામે પારાવાર ગંદકીનો સામનો પડી રહ્યો છે. ખરાબ પાણીના કારણે અસહ્ય દુર્ગંધ પણ આવી રહે છે. જેને લઇને અગાઉ ગુડામાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અમારા વિસ્તારમાં ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. મચ્છર પડવાના કારણે નાના બાળકો પણ સુરક્ષિત નથી. બિલ્ડરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા નિરાકરણ નહીં આવતા ઓફિસમાં ઘેરાવ કરવામાં આવ્યો હતો. જો બિલ્ડર ગટરનું પાણી ખુલ્લામાં જતું અટકાવશે નહીં તો અને તેની કામગીરી બંધ કરાવી દઈશું, તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.