ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે 156 બેઠક સાથેનો ઇતિહાસ રચ્યો છે, જ્યારે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી યોજાઈ હતી. આ એક મોટો રેકોર્ડ ગુજરાતનો નોંધાયો છે. તેમ છતાં પણ કેન્દ્રીય ભાજપ પક્ષ દ્વારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સ્ટાર પ્રચારક તરીકે લેવામાં નથી આવ્યા.
ભાષાને કારણે લેવાય ન હોય શકે : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે 40 સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં મૂળ ગુજરાતના અને હાલમાં કેન્દ્ર સરકારમાં મહત્વના હોદ્દા પર ફરજ બજાવતા એવા PM મોદી, ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે સમાવવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો સમાવેશ ન થવા બદલ રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ભાષાને કારણે પ્રચારમાંથી દૂર રાખવામાં આવ્યા હોય શકે.
સ્ટાર પ્રચારકમાં કોને મળ્યું સ્થાન : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્ય નાથ, મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કર્ણાટકમાં સ્ટાર પ્રચારમાં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો : Karnataka Election 2023: ભાજપના ઉમેદવાર નાગરાજનું નામ અમીર નેતાઓના લિસ્ટમાં, જાણો કેટલી છે તેમની કુલ સંપત્તિ
ગુજરાત સંખ્યા ઓછી : દિલીપ ગોહિલ : રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણના રાજ્યમાં હંમેશા ભાષાની સમસ્યાઓ આવતી હોય છે, જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હિન્દી ઓછું બોલે છે, જ્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં સ્થાનિક મુદ્દાઓ વધતા જઈ રહ્યા છે અને સ્થાનિક રાજકારણ પણ ચરમસીમા છે. અમુક લોકોએ ભાજપની વિરુદ્ધ જ બળવો કર્યો છે, ત્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ નહીં પણ સ્થાનિક મુદ્દાઓ મહત્વના હોય શકે છે. એના માટે જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સમગ્ર દેશમાં ચર્ચામાં રહે છે, પ્રખ્યાત ચહેરો છે જેથી તેઓ સ્ટાર પ્રચારકમાં સ્થાન મેળવવા માટે સફળ રહ્યા.
અલગ અલગ વિસ્તારમાં પ્રચાર : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપ નેતાઓને જવાબદારી બાબતે સંગઠનમંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ETV સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, જેમ અલગ અલગ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય છે, ત્યારે ભાજપ પક્ષ પોતાના કાર્યકર્તાઓને જે તે રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે મોકલતા હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના ભાજપના કાર્યકર્તાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર અર્થે આવ્યા હતા.
47 ગુજરાત ભાજપના નેતાઓ કર્ણાટકમાં : ત્યારે અત્યારે ગુજરાતના 47 કાર્યકર્તાઓ અને નેતાઓ કર્ણાટકના અલગ અલગ વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એક કાર્યકર્તાને એક વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી છે, આમ બુથ મેનેજમેન્ટના કામ માટે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાર્ટીને હાલ ગુજરાતના નેતાઓને કર્ણાટકમાં મોકલ્યા છે. જેમાં 17 જેટલા ધારાસભ્યો બે રાજ્ય સરકારના પ્રધાનો પ્રદેશ કાર્યાલયના નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.