પંચમહાલના કાલોલમાં આવેલા પૂરવઠા નિગમના ગોડાઉનમાં રેશન ધારકોને પૂરવઠો પૂરો પાડવા માટે ઘઉં, ચોખા, તેલ સહિતનો જથ્થો રાખવામાં આવતો હોય છે. જેની દેખરેખ માટે જિલ્લા મેનેજર ગોડાઉન મેનેજર સહિત કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે, પરંતુ આ ગોડાઉનમાં રક્ષક જ ભક્ષક સાબિત થયા છે. આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ તમામ કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભર્યા છે. અન્ય કોઈ આ પ્રકારની ચેષ્ટાના કરે તે માટે પૂરવઠા નિગમ તમામ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
પૂરવઠા નિગમના મેનેજર મોનિકા પંડ્યાએ કહ્યું કે, કાલોલમાં અમારી ટીમ દ્વારા તપાસ અહેવાલ રજૂ કર્યો છે, તેનાં પરથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તત્કાલીન ગોડાઉન મેનેજર જી. એચ. પરમાર, હાલના ગોડાઉન મેનેજર, એસ. કે. વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાટર્ડ એકાઉન્ટ મેહુલ પટેલની પેઢી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 31.12.18ના રોજ ગોડાઉનમાં જે ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ ચકાસણી કર્યા વિના જ બનાવવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
જ્યારે તત્કાલીન નાયબ જિલ્લા મેનેજર બે હતાં. તેમાંથી એકની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, જ્યારે એકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ચિંતન બેલદાર, સુનીલ બેલદાર અને મહેન્દ્ર બેલદાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે હાલમાં ફરજ બજાવતા 4 લોકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડ 3.44 કરોડ જેટલી રકમ થાય છે. જ્યારે બે જિલ્લા મેનેજર અને બે ગોડાઉન મેનેજર સામે કાર્યવાહી કરવામાં આવશે જ્યારે આ લોકો સામે પુરવઠા નિગમ જે ભાવમાં માલને ખરીદે છે. તેના કરતાં ડબલ ભાવ વસૂલ કરવામાં આવશે. જ્યારે એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.