આ અંગે વિરજીભાઇ ઠુંમરે પણ જણાવ્યું હતું કે, સંત મોરારી બાપુના નામે અનાજનો પુરવઠો ઉપાડી લેવાયો છે. અંગુઠો ક્યાંથી આવ્યો અને અનાજ લઈને કોને આપવામાં આવ્યું તેની તપાસ કરવાને બદલે આ સરકારે મોરારી બાપુના નામે લોકોના દિલ જીતવા માટે સંતનું ખોટું નામ આપ્યું છે.
વિરજીભાઇ ઠુંમરે તેમના રેશન કાર્ડ નંબર સહિત તેમાં નોંધાયેલા તેમના કુટુંબીજનોની વિગત આપતા વધુમાં જણાવ્યું હતું કે, આ બારકોડ રેશનકાર્ડમાં હરિયાણી મોરારીબાપુ પ્રભુદાસબાપુ અને તેમના કુટુંબીજનોના નામ છે. 15 ફેબ્રુઆરી 18ના રોજ બપોરે મોરારીબાપુની દીકરી રાધિકાબેનના નામથી રેશનકાર્ડ જથ્થો ઝડપાયો હતો. તેમણે જણાવ્યું કે, આ સરકાર તપાસ કરવાને બદલે ભ્રષ્ટાચાર કરી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમરેલીના અબજોપતિ વસંતભાઇ ગજેરા નામે પણ રેશનનો જથ્થો લેવામાં આવ્યો છે. તે ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના લઘુબંધુના નામે તથા ભાજપના નેતા દિલીપ સંઘાણીના ધર્મપત્નીના નામે પણ રેશનનો જથ્થો ઉપાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યના અનેક ગરીબનો રેશનનો જથ્થો બારોબાર કાળાબજારમાં વેચાઇ રહ્યો છે તે સ્વીકારીને ભાજપ ગરીબ પ્રજાની માફી માંગે તેવી માંગ કરી હતી.
પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ આ અંગે કહ્યું કે આ 2012ની વાત છે. ત્યારે તપાસ કરવામાં આવી હતી. ભળતા નામવાળા હોવાના કારણે અમે દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ મોરારીબાપુ જેવા કથાકારનું નામ ગૃહમાં લેવું તે યોગ્ય નથી.