ગાંધીનગર : 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે પહેલા ખાલીસ્થાનીઓની ધમકી ત્યાર બાદ લોરેન્સ બિશ્નોઈને છોડવાની ધમકી અને હવે ગુજરાતના જ આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ભારત પાકિસ્તાન મેચ બાબતે ચીમકી ઉચ્ચારી છે કે જો 14 ઓક્ટોબરના રોજ આ મેચ થશે તો અમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખીશું.
પાકિસ્તાન બાબતે શું કહ્યું ઉમેશ મકવાણાએ : 14 ઓક્ટોબરે યોજાનારી ઇન્ડિયા પાકિસ્તાન મેચ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ અમદાવાદમાં યોજાવી જોઈએ નહીં અને આ મેચ રદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. પાકિસ્તાનને બેટથી નહીં પણ બંધુકથી જવાબ આપવો જોઈએ. ગુજરાતની ધરતી પર પાકિસ્તાનને મેચ નહીં રમવા દઈએ.
પાકિસ્તાન આજ સુધી સુધર્યું નથી. વર્ષ 1999ની કારગિલની લડાઈ હોય કે પછી પુલવામાં આતંકવાદી હુમલો હોય, ભારતમાં એક પણ દિવસ એવો ખાલી નહીં ગયો હોય કે પાકિસ્તાને પોતાના આતંકવાદીઓ અહીંયા મોકલ્યા નહીં હોય. આતંકવાદી હુમલાને કારણે દેશના અનેક જવાનો ગોળીના શિકાર બન્યા છે. શહીદ થયા છે. ત્યારે ગુજરાતના જવાનો પણ શહીદ થયા છે. જેથી આ શહીદ પરિવારની લાગણીને વાચા આપવા માટે આમ આદમી પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે ગુજરાતની ધરતી ઉપર પાકિસ્તાનની ટીમને મેચ નહીં રમવા દઇએ...ઉમેશ મકવાણા ( બોટાદ ધારાસભ્ય, આપ )
પિચ ખોદવામાં આવશે : ઉમેશ મકવાણાએ વધુમાં ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે જો મેચ રદ નહીં કરવામાં આવે તો અમે ચોક્કસપણે ગુજરાતની જનતા સાથે રહીને જરૂર પડે તો આંદોલન પણ કરીશું અને જરૂર પડે તો સ્ટેડિયમની પીછને ખોદવી પડે તો અમે પાછા નહીં પડીએ. આ માટે રાજ્યના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરવામાં આવી છે. આ આતંકવાદી દેશ છે તેવી દેશની ટીમ સાથે ક્રિકેટ રમવું ન જોઈએ. એક હાથમાં બેટ અને એક હાથમાં બંદૂક છે જેથી સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ કે પાકિસ્તાનને માત્ર બંદૂકથીને જ આપણે જવાબ આપવો જોઈએ.