ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ માત્ર સરકાર જ નહીં ગુજરાતીઓ માટે પણ મહત્વની અને ગૌરવપ્રદ ઘટના છે. આ સમિટને સફળ બનાવવા રાજ્ય સરકાર ખૂબ પ્રયત્નો કરતી હોય છે. મુખ્ય પ્રધાનથી લઈ, કેબિનેટ પ્રધાન, ધારાસભ્યો અને સાંસદો પણ આ વાયબ્રન્ટ સમિટની સફળતા માટે કાર્યાન્વિત હોય છે. આ વખતની 2024ની વાયબ્રન્ટ ગુજરાત સમિટને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ સમિટ સંદર્ભે ગુજરાતના મુખ્ય પ્રધાનના સિંગાપોર અને જાપાનના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાનના વિદેશ પ્રવાસ વિશેઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 સંદર્ભે મુખ્ય પ્રધાનનો સિંગાપોર અને જાપાનનો પ્રવાસ નક્કી થયો છે. આ પ્રવાસમાં મુખ્ય પ્રધાન સાથે કુલ 8 સનદી અધિકારીઓનું ડેલિગેશન જશે. જેમાં ઉદ્યોગ સચિવ એસ. જે. હૈદર, ઈન્ડેક્સ બીના અધિકારીઓ સામેલ થશે. તા. 27થી 30 નવેમ્બર સુધી જાપાન અને તા. 1થી 4 ડિસેમ્બર સુધી સિંગાપોરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને દેશોમાં મુખ્ય પ્રધાન રોડ શોમાં ભાગ લેશે. તેમજ ત્યાંના સ્થાનિક નેતાઓ, ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને વાયબ્રન્ટ સમિટનું આમંત્રણ પાઠવશે.
6 IAS અધિકારીઓનો વિદેશ પ્રવાસ પૂર્ણઃ 2024ની વાયબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કુલ 6 IAS અધિકારીઓ દિવાળી પૂર્વે જ વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે. જેમાં IAS વિજય નેહરાએ 13થી 17 ઓક્ટોબર સુધી જાપાન, IAS રાહુલ ગુપ્તા 21 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી જર્મની, ડેનમાર્ક અને ઈટાલી, IAS જે. પી. ગુપ્તા 24 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી અમેરિકા, IAS અંજુ શર્મા 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા, IAS હરિત શુકલા 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી ફ્રાન્સ અને યુએઈ, IAS અશ્વિનીકુમાર 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સાઉથ કોરિયા અને વિયેતનામની મુલાકાત કરી ચૂક્યા છે.
પ્રી વાયબ્રન્ટ ઈવેન્ટ્સઃ વાયબ્રન્ટ સમિટ 2024ને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અને પ્રી વાયબ્રન્ટ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ખાસ રહ્યો હતો. આ કાર્યક્રમમાં 25,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ અનુસાર વાયબ્રન્ટ સમિટ 2024 અગાઉ ફક્ત જિલ્લા સ્તરે જ 45,600 કરોડ રુપિયાના કુલ 2600 MoU કરવામાં આવ્યા હતા. જેના પરિણામે ગુજરાતમાં 2.25 લાખથી વધુ રોજગારીનું સર્જન થશે.આ MoU પૈકી મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં 11 તબક્કાઓમાં 25,945 કરોડના MoU થયા હતા. આ ઉપરાંત ગુજરાત બહાર મુંબઈ, બેંગાલુરુ જેવા મોટા શહેરોમાં રોડ શો પણ યોજાયા હતા. અત્યાર સુધી વાયબ્રન્ટ સમિટ 2024માં કુલ 7 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે. જેમાં નેધરલેન્ડ, નેપાળ, ડેન્માર્ક, મોઝામ્બિક, મોરોક્કો જેવા દેશો મુખ્ય છે.