ગાંધીનગરઃ રાજ્યના DGPએ આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે રેડઝોન અને કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ વધારાશે તથા હાઈડ્રોજન ગેસના બલૂનનો ઉપયોગ કરાશે. જે નિયત ઊંચાઈ પર રહેશે. જેમાં એક પી.ટી.ઝેડ કેમેરા અને બે થી ત્રણ સ્થિર કેમેરા લાગેલા હશે. જેમાંથી અસરકારક સર્વેલન્સ થઇ શકાશે. આ કેમેરા આઈ.પી. બેઇઝડમાં હોવાના કારણે તેના ફૂટેજ કંટ્રોલરૂમ અને ઉચ્ચ અધિકારીઓના મોબાઇલથી પણ જોઇ શકાશે. જેના લીધે સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ સતત સુપરવિઝન કરી શકશે.
રાજ્યમાં લોકોની આંતર જિલ્લા અવર-જવર તથા અન્ય રાજ્યો કે વિદેશથી આવતા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોય, આવા લોકોએ નિયત કરેલ ક્વોરન્ટાઈન સમય સુધી ક્વોરન્ટાઈનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અન્ય રાજયોમાંથી તબલીગી જમાતીઓ જે મંજૂરી સાથે તબક્કાવાર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આવ્યા હતા તે તમામને નિયમ મુજબ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. તે પૈકી 12 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું હતું. જોકે તે લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાથી અન્ય સંખ્યાબંધ લોકો સુધી સંક્રમણ રોકી શક્યા છીએ.
મંજૂરી લઈને ગુજરાત પરત આવેલા તબલીગી જમાતીઓ પૈકી આંધ્રપ્રદેશથી 23 લોકો જૂનાગઢ આવ્યા હતા. જેમાંથી એકને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત મહારાષ્ટ્રથી ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પરત આવેલા 28 લોકો પૈકી ભાવનગરમાં ક્વોરન્ટાઈન થયેલા 10 લોકો પોઝિટિવ હોવાનું તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું છે. જ્યારે આંધ્રપ્રદેશથી વડોદરા જિલ્લામાં આવેલા તબલીગી લોકો પૈકી એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં 694 ગુનામાં કુલ 957 લોકોની અટકાયત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 778 ગુના દાખલ કરીને 1598 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા બદલ અત્યાર સુધીમાં આવા 737 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વીડિયોગ્રાફી, નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) અને કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત આજદિન સુધીમાં 6518 ગુના દાખલ કરવામાં આવ્યાં છે.