ગાંધીનગર : વિધાનસભા ગૃહની શરૂઆત થયાની સાથે જ બન્ને પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપવા મુદ્દે આ હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત ગૃહમાં બન્ને પક્ષોએ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યો હતા.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભ્રષ્ટાચાર અંગે સવાલો કર્યા હતા. જેનો જવાબ આપતા CM રૂપાણીએ કહ્યું કે, અમે ભ્રષ્ટાચાર કરતા નથી, ક્યારેય કર્યો પણ નથી અને કરીશું પણ નહીં.
હાલ વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 25 જ ધારાસભ્યો હાજર
આ પ્રશ્નોતરી કાળ દરમિયાન શાયરીના સુર પણ છેડાયા હતા. બ્રિજેશ મિરેજાએ પોતાના આગવા અંદાજમાં પોતાની વાત ગૃહમાં રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, હમેં તો અપનોને લૂંટા, ગેરો મેં કહા દમ થા, કશ્તી વહા ડૂબી જહાં પાની કમ થા...
જ્યારે પરેશ ધનાણીએ શાયરીમાં પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, ઘરના બંદરોને પુરી રાખ્યા છે અંદર, શા માટે બહારનાને ચૂકવો છો 15-15 કરોડ. પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં 'તોડો'નો ભય છે, ભાજપ ધારાસભ્યો તોડી રહી છે.
શૈલેષ પરમારે વિધાનસભામાં વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતુ કે, ભાજપ લાલચ આપીને કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહી છે, ગૃહમાં તેનું ઉદાહરણ પણ છે, કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાને કેબિનેટ પ્રધાનની લાલચ આપી હતી. આ વાતનો જવાબ આપતા મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, લાલચ આપી હોય તો કોંગ્રેસ સાબિત કરે, આમ હવામાં વાતો ન કરે.