ગાંધીનગરઃ સંસદીય મત વિસ્તાર આવતાં ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર જીલ્લામાં તા.10 મી સપ્ટેમ્બરના રોજ સાસંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે 46.73 કરોડથી વધુ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ટેકનોલોજીના માઘ્યમ થકી ઇ - લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ ગાંધીનગર કલેકટર કચેરી, સેકટર- 7/A ના બગીચામાં અને રૂપાલ ગામ ખાતે સવારના 11 કલાકે યોજાશે.
વર્તમાન સમયમાં સમગ્ર દેશ અને રાજ્યમાં અનલોકની પ્રક્રિયા દરમિયાન જન સુખાકારીના કાર્યો ગતિશીલ બન્યા છે. ત્યારે તારીખ 10 સપ્ટેમ્બર 2010 ના રોજ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ અમિત શાહ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્ર અને કલોલમાં અંદાજીત કુલ રૂ. 15 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને 31.71 કરોડના કાર્યોનું ઈ-ખાતમૂહૂર્ત કરવામાં આવશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 3 અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા અંતર્ગત 4 જેટલા લોકાર્પણના કાર્યો સમાવિષ્ટ છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં 5.38 કરોડના ખર્ચે ઇ.આર.પી. અને ઇ- ગવર્નન્સ પ્રોજેક્ટ, નાગરિકોને સુવિધા પૂરી પાડવા 5.19 કરોડના ખર્ચે પ્રોપર્ટી ટેક્ષ સર્વે એન્ડ બેઝમેન્ટ ક્રિએશન અપડેશન એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન જી.આઇ.સી.,સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 4.35 કરોડના ખર્ચે સેકટર –2, 7/A અને 9 ના નવીનીકરણ કરવામાં આવેલા બગીચાઓનું તથા ગાંધીનગર તાલુકાના પિંપળજમાં લાયબ્રેરી વરંડાનું કામ અને પીંડારડામાં આંગણવાડી તથા આજુબાજુ સી.સી.રોડ, ઇન્દિરા આવાસ અને મેઈન રોડથી સી.સી. રોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર ઉત્તર વિધાનસભા અંતર્ગત 31 નવા આયામો તથા કલોલમાં 1 એમ કુલ 32 નવા વિકાસના કાર્યોનું ઇ - ખાત મુહુર્ત પણ કરવામાં આવશે.
ભવિષ્યમાં સેકટરોમાં ટ્રાફિકની સમસ્યા ન થાય, તેનું આગોતરા આયોજનના ભાગ રૂપે ગાંધીનગરના સેકટર – 7, 11, 11, 21 અને 22 ખાતે રૂપિયા 33.22 કરોડના ખર્ચે રસ્તાઓનો વિકાસકામનું તથા અન્ય સેકટરોમાં સ્માર્ટ સીટી યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન ઓફ ફોર લેનીંગ ઓફ સેકટર લેવલ રોડૂસ એન્ડ એપ્રોચ રોડૂસની કામગીરી રૂપિયા 30.48 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે, તેનું પણ ખાતૂમૂહુર્ત કરવામાં આવશે.
કલોલ તાલુકાના આદરજ મોટી ગામે રૂપિયા 90 લાખથી વધુના ખર્ચે કન્યાશાળામાં 11 વર્ગખંડ અને મોટી ભોયણ ગામે શાળા નંબર–1 માં રૂપિયા 33 લાખ જેટલા ખર્ચે નવા 4 વર્ગ ખંડના નવનિર્માણ કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસન, સરઢવ, આદરજ મોટી, સોનીપુર ઉનાવા, પીંપળજ, જલુંદ અને પીંડારડા ગામમાં લોક સુખાકારી અને વિકાસના 23 કામો રૂપિયા 50 લાખના ખર્ચે કરવામાં આવનાર છે. જેમાં આંગણવાડીની કંપાઉન્ડ વોલ, સી.સી. રોડ, સ્મશાન પેવર બ્લોક, ગટરલાઇન, સંરક્ષણ દિવાલ, ધોબીધાટ, પાણીની પાઇપલાઇન, શાળામાં શેડ જેવા વિવિધ કામોનું પણ અમિત શાહના હસ્તે ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત તા. 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત અંદાજીત કુલ રૂ.170.93 કરોડના કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી. પાસે નવું પાણી વિતરણ સ્ટેશન, સરખેજ વોર્ડમાં મકરબા પોલીસ લાઈન પાસે નવું પાણી વિતરણ સ્ટેશન અને વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી એસ.પી. રીંગ રોડ સમાંતર ટ્રંક મેઈન્સ પાણીની લાઈન સામેલ છે. આ ઉપરાંત રૂ. 5.27 કરોડના ખર્ચે ચાંદલોડિયા વોર્ડમાં છારોડી ગામ તળાવનું ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશનના કામનું ઈ-ખાતમુહુર્ત કરવામાં આવશે.
જ્યારે અમદાવાદ જીલ્લાના સાણંદ વિધાનસભા અંતર્ગત અંદાજીત કુલ રૂ. 26.25 કરોડના ખર્ચે વિવિધ 276 જેટલા ઈ- લોકાર્પણ અને 19.73 કરોડના ખર્ચે વિવિધ 30 જેટલા કામોનું ઈ-ખાતમુહુર્ત પણ સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ લોકાર્પણમાં આવાસ, કૃષિ સિંચાઈ, શાળાના વર્ગખંડો જેવા પ્રકલ્પોથી સાણંદ, બાવળા અને દસક્રોઈ તાલુકાના 27 જેટલા ગામો પ્રત્યક્ષ રીતે લાભાન્વિત થશે. તથા ઈ-ખાતમુહુર્તથી સાણંદ શહેર, માણકોલ, મટોડા- મોડાસર, બગોદરા, સરલા, કાણોતર, કેશરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સુએજ સ્ટેશન, મટીરીયલ રીકવરી ફેસેલીટી સેન્ટર, પાકી સડક, કોમ્યુનીટી હોલ જેવી સુવિધાઓ પ્રાપ્ય થશે.
સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા સમગ્રત રૂ. 268.91 કરોડના થનાર આ લોકાર્પણો અને ખાતમુહુર્તથી તેમના સંસદીય મતવિસ્તારમાં સાર્વત્રિક રીતે વિકાસના નવા આયામોનો પ્રત્યક્ષ લાભ પ્રજાજનોને મળશે. સાથે સાથે લોકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.