ગાંધીનગર : લોકો જીવનથી કંટાળી ગયા હોય, આર્થિક સપડામણ હોય અથવા તો પ્રેમનો સંબંધ હોય ત્યારે તેઓ આત્મહત્યાનો છેલ્લો વિકલ્પ પસંદ કરે છે. એ માટે જ જીવન આસ્થા સંસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં છેલ્લા 8 વર્ષમાં 1.25 લાખ ફોન જીવન આસ્થા સંસ્થામાં નોંધાયા છે. જેમાં 8 જેટલા મનોવૈજ્ઞાનિક ફોન પર સલાહ સુચન આપે છે. ઉપરાંત 1.25 લાખ ફોનમાંથી 900 લોકોનું જીવન પૂર્ણ થતાં જીવન આસ્થા સંસ્થાએ બચાવ્યું છે. જેમાં 450 લોકોનો સ્પોટ પર જ જીવ બચાવવામાં આવ્યો છે.
સામૂહિક આત્મહત્યાનો કિસ્સો : પ્રવીણ વાલેરાએ ETV BHARAT સાથે જીવન સંસ્થાની કામગીરી બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, જીવન આસ્થા સંસ્થાને એક ફોન આવ્યો હતો. અમદાવાદનો પરિવાર જેમાં પતિ-પત્ની અને નાના બાળકનો સમાવેશ થાય છે. આ પરિવાર વ્યાજ ચક્રમાં ફસાઈ ગયો હતો. જે વ્યક્તિએ વ્યાજથી પૈસા આપ્યા હતા તેઓ પરિવારજનોને વારંવાર ધાક ધમકી આપતા હતા. જેથી કંટાળીને ગાંધીનગર નર્મદા કેનાલ પર જીવન ટુંકવવા આવ્યા હતા. ત્યાં જીવન આસ્થા સંસ્થાનું બોર્ડ જોતા જ તેઓ ફોન કરીને તમે લોકો મને કઈ રીતે મદદ કરી શકો છો ? તેવો પ્રશ્ન કર્યો હતો. ગણતરીની મિનિટમાં અમે ત્યાં પીસીઆર વાન મોકલીને પરિવારને બચાવ્યો હતો. ત્યારબાદ કાયદાકીય તમામ મદદ જીવન આસ્થા સંસ્થા તરફથી આપવામાં આવી હતી.
હાલના સમયમાં 20 થી 35 ની ઉંમરના યુવાનો આત્મહત્યા વધુ કરી રહ્યા છે. જેમાં પ્રેમ સંબંધ હોવાનું સામે આવે છે. આજના યુવાનો ઇમોશનલ મેનેજમેન્ટ કરી શકતા નથી. જેથી પોતાની પરિસ્થિતિને આસાનીથી કોપ-અપ કરી શકતા નથી. જેમાં રિલેશનશિપ મુખ્ય કારણ હોય છે. જ્યારે છેલ્લા કોરોના સમય બાદ આર્થિક પરિસ્થિતિના કારણે આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યા કરવાના કિસ્સા સામે આવ્યા છે. જ્યારે કૌટુંબિક સંબંધના કારણે આત્મહત્યા કરતા હોય છે. -- પ્રવીણ વાલેરા (અધિકારી, જીવન આસ્થા સંસ્થા)
યુવાનોમાં આત્મહત્યાના કેસ : પ્રવીણ વાલેરાએ વધુમાં જણાવ્યું હતું કે, જીવન આસ્થામાં કોઈ પણ વ્યક્તિ ફોન કરે ત્યારે સૌ પ્રથમ તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છે. ત્યારબાદ જો એ સ્યુસાઇડ પોઈન્ટ પર હોય તો તાત્કાલિક ધોરણે પોલીસની પીસીઆર વાનને આદેશ આપીને ત્યાં સ્પોટ પર મોકલવામાં આવે છે. વર્ષ 2021માં એક વ્યક્તિએ નવસારી રેલવે ટ્રેક પરથી જીવન આસ્થા સંસ્થામાં ફોન કર્યો હતો. ટ્રેનની નીચે જીવન ટૂંકાવવાનું કહ્યું હતું. ત્યારે પણ નવસારી પોલીસને આ બાબતે માહિતી આપીને વ્યક્તિને સ્યુસાઇડ કરતા અટકાવ્યા હતા.
જીવન આસ્થા સંસ્થા : પ્રવીણ વાલેરાએ વધુમાં જણાવ્યું હતું કે, એક પ્રેમ સંબંધિત કિસ્સા માટે જીવન આસ્થાની મદદ લેવામાં આવી હતી. જેમાં એક નાબાલીક એટલે કે સગીર વયની યુવતીએ ફોન કરીને મદદની માંગ કરી હતી. તે યુપીથી ટ્રેન મારફતે અમદાવાદ પહોંચી હતી. એક યુવક સાથે લગ્ન કરવા માગતી હતી. જો લગ્ન નહીં થાય તો આત્મહત્યા બાબતની પણ ચીમકી ઉચ્ચારતી હતી. ત્યારે આ મામલામાં પણ જીવન આસ્થાએ યુવતીને સમજાવી હતી. તેના પરિવારજનો અને યુવકનું પણ કાઉન્સિલ કર્યું હતું. યુવતીનું પરિવારજનો સાથે ફરીથી મિલન કરાવ્યું હતું.