ગાંધીનગરઃ કોરોના વાઇરસના કહેર બાદ લાંબા સમય પછી ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં એજન્ડામાં રાખવામાં આવેલા બે વિષયને બાદ કરતા તમામ મુદ્દાઓ ઉપર મંજૂરીની મહોર મારી હતી. આ બેઠકમાં મહત્વનો ગણી શકાય તેવો પાલિકાના સફાઈ કર્મચારીઓ માટે એક નિર્ણય લેવામાં આવ્યો હતો.
સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારીના સ્થાને નોકરી આપવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરને ફાટક મુક્ત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે કલોલ પાસે આવેલા ફાટકોને દૂર કરી ઓવરબ્રિજ બનાવવાની બાબતની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શહેરમાં સમાવિષ્ટ બાસણ ગામના રહીશોની માગ હતી કે સાબરમતી નદી ઉપર પુલ બનાવવામાં આવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માત્ર બે મુદ્દાઓને બાદ કરતાં તમામ મુદ્દાઓ મંજૂર કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના કહેર બાદ આ બેઠક મળી હતી. જેમાં સામાજિક અંતર રાખવા સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.