ગાંધીનગર: આગામી 24 જુલાઈના રોજ ગુજરાત રાજ્યની 3 રાજ્યસભાની બેઠક પર આજે ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની પાસે પુરતા ધારાસભ્યો ન હોવાથી ચૂંટણીમાં ઝંપલાવ્યું ન હતું. તેથી ભાજપના ત્રણેય સાંસદ એસ. જયશંકર, બાબુભાઈ દેસાઈ અનેે કેસરીદેવસિંહ ઝાલા દિલ્હી ખાતે 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં શપથ લેશે.
બાબુ દેસાઇનું નિવેદન : રાજ્યસભામાં બિનહરીફ વિજેતા બનતા બાબુ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ભાજપના શીર્ષ નેતૃત્વ નો ખુબ ખુબ આભાર માનું છું. હું આજે બિન હરીફ રીતે રાજ્યસભામાં વિજેતા જાહેર થયો છું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મને રાજ્યસભામાં ટેકો આપનારા અને ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોનો આભાર માનુ છું.
દિલ્હીમાં ત્રણેય સાંસદ લેશે શપથ: આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ભાજપમાંથી રજની પટેલ, રઘુ હુંબલ તથા પ્રેરક શાહએ ડમી ઉમેદવાર તરીકેના ફોર્મ ભર્યા હતા. ઉપરાંત અમદાવાદના 2 નાગરિકોએ એક્સજ તરીકે રાજ્યસભામાં ઉમેદવારી કરી હતી. ફોર્મ ચકાસણીમાં અપક્ષ ઉમેદવારોને 10 ધારાસભ્યનો ટેકો પ્રાપ્ત ન થવાને કારણે ચૂંટણી અધિકારી દ્વારા બન્ને અપક્ષના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જેથી હવે ફક્ત 3 ઉમેદવારો વધતા તમામને બિન હરીફ જાહેર કરવાની કાર્યવાહી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ કરશે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ સત્તાવાર રીતે ત્રણેય ઉમેદવારોને બિનહરીફ જાહેર કરશે.
સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત: આજે સત્તાવાર રીતે ભાજપના ઉમેદવારોને જાહેરાત બિનહરીફ જાહેર કરાયા છે. ભાજપ પક્ષ તરફથી 11 જુલાઈના રોજ ફક્ત વિદેશ પ્રધાન એસ. જયશંકરે ઉમેદવારી નોંધાવી હતી. બીજા બે નામ પર સતત ચર્ચા ચાલી રહી હતી. તેના પર ભાજપ પક્ષે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા પર પસંદગી ઉતારી હતી. આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશમંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
રાજકીય રણનીતિ: રાજ્યસભાના બે ઉમેદવાર તરીકે ભાજપ પક્ષ દ્વારા બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી છે. બાબુભાઈ દેસાઈ ભાજપમાં કાંકરેજના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા છે. ઉપરાંત બાબુભાઈ દેસાઈને રબારી સમાજના ભામાશા તરીકે ઓળખવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ સૌરાષ્ટ્ર ઝોનથી આવે છે. આમ રાજ્યસભામાં ભાજપ પક્ષે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપ્યું છે.