ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવે રવિવારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે તેવું જણાવ્યું હતું.

રાહત કમિશનર ડૉ. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્ર સજ્જ છે. આ ઉપરાંત NDRFની 13 ટીમ તૈનાત કરી દેવાઈ છે. SDRFની 11 તથા NDRFની 2 ટીમો એમ અન્ય 13 ટીમો પણ રિઝર્વ રાખવામાં આવી છે.
રાજ્યમાં ક્યા ઝોનમાં કેટલો વરસાદ નોંધાયો
ગુજરાત વરસાદ અપડેટ(આંકડા ટકાવારીમાં)
રાજ્યનો સરેરાશ વરસાદ - 94.57
કચ્છ ઝોન -162.61
સૌરાષ્ટ્ર ઝોન - 123.59
દક્ષિણ ગુજરાત ઝોન -86.19
ઉત્તર ગુજરાત ઝોન - 75.15
પૂર્વ મધ્ય ગુજરાત ઝોન - 73.77
રાજ્યમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. જેમાં આગામી 23 અને 24 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પરિણામે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ જારી કરી દેવાઈ છે.
આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં તથા પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના આધારે સમગ્ર સ્થિતિ પર રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં 57 તાલુકાઓ એવા છે કે, જેમાં મોસમનો 1000 MMથી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે 129 તાલુકાઓમાં 501થી 1000 MM સુધી, 63 તાલુકાઓમાં 251થી 500 MM સુધી અને માત્ર બે તાલુકામાં 126થી 250 MM સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે એક પણ તાલુકો એવો નથી કે, જ્યાં પાંચ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો ન હોય.
રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ 2,03,237 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના 60.83 ટકા જેટલો છે. હાલ ડેમની જળ સપાટી 124.52 મીટર છે.
આ ઉપરાંત રાજ્યના 206 જળાશયો પૈકી 108 જળાશયો હાઇ એલર્ટ પર છે. જ્યારે 14 જળાશયો એલર્ટ પર અને 17 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમની સંખ્યા 68 છે. રાજ્યમાં કુલ 44 નદીઓ અને 41 મોટા તળાવ ઓવરફલો થયા છે.