ગાંધીનગર : ગુજરાતમાં તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે .ત્યારે ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ 27.72 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે જૂન 2023ના સમયગાળામાં જોઇએ તો 30 જૂન સુધીમાં રાજ્યના કુલ વરસાદના 27.72 ટકા વરસાદ નોંધાયો છે.
વિસાવદરમાં સૌથી વધુ વરસાદ : 30 જૂનના સવારના 6 વાગ્યાથી 1 જુલાઈ સવારના 6 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 15 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદર તાલુકામાં નોંધાયો છે.
ઝોનવાઇઝ વરસાદ : અત્યારસુધીમાં કચ્છ ઝોનમાં 404.80 મિમિ અને 87.33 ટકા એવરેજ વરસાદ પડ્યો છે. એ જ રીતે ઉત્તર ગુજરાતમાં 201.14 મિમિ 27.65 ટકા એવરેજ, મધ્ય ગુજરાતમાં 134.30 મિમિ 16.59 ટકા એવરેજ, સૌરાષ્ટ્ર ઝોનમાં 297.33 મિમિ 41.18 ટકા એવરેજ, દક્ષિણ ગુજરાતમાં 310.78 મિમિ. 20.81 ટકા એવરેજ એમ કુલ રાજ્યનો સરેરાશ વરસાદ 242.96 મિમિ 27.72 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચોમાસાના આગમન સાથે જ રાજ્યભરમાં વાવણી લાયક વરસાદ વરસતા સૌને હર્ષની લાગણી થઇ છે. ગુજરાતના ખેડૂતોને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. ગત 24 કલાક દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લામાં સર્વત્ર વરસાદ થતા ખેડૂતોએ મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, અડદ, મગ, સોયાબીન અને તલ જેવા ખરીફ પાકોના વાવેતરની તૈયારીઓ કરી લીધી છે...રાઘવજી પટેલ(કૃષિપ્રધાન)
50 ટકા વધુ વરસાદ ધરાવતા તાલુકાઓ : આમાં સૌપહેલાં અંજાર છે જ્યાં 171. 31 વરસાદ થયો છે.આ પછી ભચાઉ 72.14, ભુજ 99.27, ગાંધીધામ 136.25, માંડવી 78.52 ,મુન્દ્રા 105.89 ,નખત્રાણા 56.96 ,સાંતલપુર 54.79, અમીરગઢ 50.33 ,ધાનેરા 61.22,થરાદ 50.27 ,ધોરાજી 70.14 ,જામકંડોરણા 77.25, જેતપુર 60.69, ઉપલેટા 66.12, ધ્રોલ 58.20, જામનગર 79.58 ,જોડીયા 52.64, કાલાવડ 55.03, દ્વારકા 58.82 ,ખંભાળિયા 65.5 ,જુનાગઢ 69.3,જુનાગઢ શહેર 69.3,કેશોદ 55.83, મેંદરડા 68.95 ,વંથલી 55.54 અનેવિસાવદર 75.50 ટકા વરસાદ પડ્યો છે.
ત્રણ ઝોનમાં ઓછો વરસાદ : મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો છે.રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતના એક પણ તાલુકામાં 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો નથી. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ એક પણ તાલુકામાં 50 ટકા જેટલો વરસાદ પણ નોંધાયો નથી. તમામ ઝોનમાં સરેરાશ 16 ટકાથી 27 ટકા આસપાસ જ વરસાદ નોંધાયો છે.
કયા ઝોનમાં કેટલા ડેમ ભરાયા : રાજ્યના વિસ્તારદીઠ જોઇએ તો ઉત્તર ગુજરાતમાં 47.25 ટકા, મધ્ય ગુજરાત 31.17 ટકા, દક્ષિણ ગુજરાત 34.59 ટકા, કચ્છ 54.43 ટકા, સૌરાષ્ટ્ર 38.31 ટકા અને સરદાર સરોવર 53.90 ટકા ડેમ ભરાયાં છે.
16 ડેમ હાઇએલર્ટ પર મુકાયા : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે સરકાર દ્વારા 16 જેટલા ડેમોને હાઇએલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. જેમાં મુન્દ્રાનો કાલાઘોડા, માંડવીનો ડોન ડેમ અને કંકાવટી ડેમને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. જ્યારે ગજનસર ડેમને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટના ધોરાજી અને ઉપલેટા તાલુકાના મોજ અને સોળવદર ડેમને પણ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે. જ્યારે ધોરાજીના ભાદર બે અને જામકંડોરણાના ફોફળ એક ડેમને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. સાથે જ પોરબંદરના કુતિયાણા ખાતે આવેલ સારણ ડેમને વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યો છે. આમ સમગ્ર ગુજરાતમાં કુલ 16 જેટલા ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને 11 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે અચાનક બેઠક કરી : સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે અને 30 જૂનના રોજ સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી પડ્યો હતો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતાં ત્યારે પરિસ્થિતિનો તાગ લેવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાત્રે 9:30 થી 10 કલાક વચ્ચે અચાનક સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા હતાં અને સૌરાષ્ટ્ર તથા અમદાવાદના વરસાદની સમીક્ષા પણ કરી હતી.
સરકારી તંત્ર સચેત : બેઠક દરમિયાન ચાર એનડીઆરએફ ટીમને પણ ભારે વરસાદી જિલ્લાઓમાં ડિપ્લોય કરાવવામાં આવી હતી. ખાસ કરીને જામનગર, જૂનાગઢ અને કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે તેની વિગતવાર માહિતી તેમણે મેળવી હતી. નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહતકામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ વરસાદના લીધે રોગચાળો ફાટી ન નીકળે તે માટે જરૂરી પગલાં લેવાનું સૂચન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
128 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 27 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઈંચ એટલે કે 398 મિમિ વરસાદ રાજ્યના અન્ય 187 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ અને રાજ્યના અન્ય 13 તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારે 2 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
સાર્વત્રિક વરસાદ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે 1લી જુલાઈ 2023ના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 128 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અને જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં 152 મિમિ નોંધાયો છે. એટલે કે 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 137 મિમિ, ધારીમાં 130 મિમિ, ખેરગામ તાલુકામાં 112 મિમિ અને પારડીમાં 98 મિમિ વરસાદ એટલે કે 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાપી, જલાલપોર, મહુવા (ભાવનગર), વલસાડ, ચીખલી, તાલાલા, નવસારી, વાંસદા, બગસરા, સિદ્ધપુર, વહાઈ અને મેંદરડા તાલુકામાં 2 ઈંચથી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
સિંચાઇ અને પીવાના પાણી છૂટથી મળશે : કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસેલા શ્રીકાર વર્ષાના પરિણામે પાણીની આવક થતા રાજ્યના ડેમો અને જળાશયો પોતાની છલક સપાટીએ છે. જેથી વર્ષ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાલાયક પાણી મળી રહેશે તે બાબતે પણ કૃષિપ્રધાને રાજીપો જતાવ્યો હતો.