ગાંધીનગર : લઘુતમ વેતનને લઈને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજરોજ યોજેલી પ્રેસવાર્તામાં આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપના 27 વર્ષના શાસનમાં કામદારોનું શોષણ થઈ રહ્યું છે. સાથે સાથે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે.
લઘુતમ વેતનનો અમલ : આજે આણંદ જિલ્લાની સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, સરકાર દ્વારા જે લઘુતમ વેતન વધારવાની જાહેરાત કરવામાં આવી કે જેમાં 1 એપ્રિલ 2023થી નવા લઘુતમ વેતનનો અમલ કરવાનો હતો, તો શું એનો અમલ કરવામાં આવે છે કે કેમ એ મુદ્દે ચર્ચા થઈ હતી. આખા ગુજરાતના આંકડાઓની માહિતી મુજબ સરકારે લઘુતમ વેતન વધારાની જાહેરાત કરી, એ માટેના પરિપત્રો બહાર પાડ્યા પણ હજુ સુધી ખરા અર્થમાં સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, ફેક્ટરી અને કો-ઓપરેટીવ સંસ્થાઓમાં પણ એનો અમલ કરવામાં આવતો નથી.
કેટલું લઘુતમ વેતન આપવામાં આવે છે : લઘુત્તમ વેતનનો વધારો ઝોન 1 અને ઝોન 2 મુજબ કરવામાં આવ્યો. જેમાં ઝોન 1 એટલે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારો અને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. એમાં કુશળ કારીગર કેટેગરી માટે 8 કલાકનું વેતન દૈનિક 474 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, અર્ધ કુશળ કારીગર માટે 462 રૂપિયા અને બિન કુશળ માટે 452 રૂપિયા ઝોન 1માં લઘુતમ વેતન નક્કી કરવામાં આવ્યું છે. એ જ રીતે તાલુકા અને ગ્રામ્ય લેવલે આવતા વિસ્તારોને ઝોન 2માં સામેલ કરવામાં આવે છે, જેમાં કુશળ કારીગરોને 462 રૂપિયા, અર્ધ કુશળ કારીગરોને 452 રૂપિયા અને બિનકુશળ કારીગરોને 441 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
પગાર ચુકવવામાં નથી આવતો : આજે આણંદ જિલ્લામાં અમૂલ ડેરીનો સિક્યુરિટી સ્ટાફ હોય, સહકારી સંસ્થાઓ હોય, પ્રાઇવેટ કંપની હોય, કલેકટર ઓફિસ કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોય કે જિલ્લા તાલુકા પંચાયત હસ્તકની કચેરીઓના કર્મચારીઓ હોય, એમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કે આઉસોર્સિંગના કર્મચારીઓ હોય, જેમ કે લિફ્ટ મેન, ડ્રાઈવર, ઓપરેટર, સ્વિપર કે પટ્ટાવાળા હોય આ તમામને નવા વેતન મુજબનો પગાર ચૂકવવામાં નથી આવતો. આજે જે આંકડા આવ્યા છે એ જોઈને સ્પષ્ટ દેખાઈ છે કે, કર્મચારીઓનું ફકત શોષણ કરવામાં આવે છે. સરકારી કચેરીઓમાં, સર્કીટ હાઉસમાં ફકત 350 રૂપિયાનું વેતન ચુકવવામાં આવે છે. કલેકટર ઓફિસ હોય કે બીજી કોઈ કચેરીઓમાં પણ 350થી લઈને 400 રૂપિયા સુધીનું વેતન ચૂકવવામાં આવે છે. સરકાર લઘુતમ વેતન શ્રમ આયુક્તના નેજા હેઠળ આવતી ફેક્ટ્રીઓ આ પરિપત્રો ઘોળી ને પી જાય છે.
ગુજરાત અને આણંદ જિલ્લાના તમામ કામદારોને કહેવા માંગું છું કે જે કોઈ કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં, આઉટસોર્સિંગમાં જ્યાં પણ કામ કરતા હોય અને 1 એપ્રિલ 2023એ જાહેર થયેલા લઘુતમ વેતનધારા મુજબ તેમના પગાર ન ચુકવવામાં આવતો હોય અને તેમનું શોષણ થતું હોય, તેમને ઓછો પગાર ચૂકવીને વધારે પગારની સ્લીપ પર સહી લેવામાં આવતી હોય, PFના કાપતા હોય અથવા કાપીને તમારા ખાતામાં જમા ના કરતા હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો. - અમિત ચાવડા (વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા)
સરકારની ઈચ્છા નથી : જ્યાં પણ સરકારના નિયમ અને કાયદાઓનું પાલન ના કરતા હોય અને તેનું ઉલ્લંઘન કરનારા કોઈને પણ છોડવામાં નહીં આવે, તેવા તમામ લોકો સામે જે પણ કાયદાકીય લડત લડવાની હોય, તે કરીને તમામને ન્યાય મળે તેવી સૂચના આજે સંકલન સમિતિમાં બેઠેલા અધિકારીઓને આપવામાં આવી છે. સાથે તેમને ઉમેર્યું હતું કે, કોઈ એક કંપનીનો પ્રશ્ન નથી, પણ આ સરકારની ઈચ્છા નથી કે કામદારો કે કર્મચારીઓને પૂરતો પગાર મળે અને એમને એમના હક્ક અધિકાર મળે.