ગાંધીનગરઃ રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થતાં સરકાર પર ફરી કીચડ ઉછળ્યું હતું. ત્યારે આ કીચડને સાફ કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. તેવામાં હવે સરકાર જાહેર પરીક્ષા માટે આગામી સમયમાં પૉલિસી લઈને આવી રહી છે. તે અંતર્ગત હવે 2 તબક્કામાં જાહેર પરીક્ષા લેવાશે.
બજેટ સત્રમાં બિલ થશે પસારઃ રાજ્યમાં હવે જાહેર પરીક્ષાનું પેપર લીક ન થાય તે માટે સરકાર બજેટ સત્રમાં બિલ પણ પસાર કરશે. જોકે, આ બિલ તૈયાર થઈ ગયું છે, પરંતુ હવે પરીક્ષા પદ્ધતિમાં પણ સુધારો કરવાનું આયોજન સરકારે કર્યું છે. મળતી માહિતી પ્રમાણે, સરકાર દ્વારા પરીક્ષા બાબતે ખાસ નિષ્ણાતોની કમિટી તૈયાર કરીને પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષાર્થીની સંખ્યામાં વધારોઃ ગુજરાતમાં રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો દ્વારા જાહેર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ જાહેર પરીક્ષામાં ઉમેદવારાની સંખ્યા વધી જઈ રહી છે. જ્યારે હેડ ક્લાર્કની પરીક્ષામાં કુલ 9 લાખ જેટલા ઉમેદવારો રહે ફોર્મ ભર્યું હતું. તો ગ્રામ પંચાયત તલાટીની પરીક્ષામાં પણ 19 લાખ જેટલા યુવાનોએ પરીક્ષા માટેનું આવેદન કર્યું હતું. ત્યારે વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર હવે પરીક્ષા તબક્કા વાર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ University Controversy: વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, આ વખતે વિદ્યાર્થીઓ નહીં પણ કારણ બીજું છે
ગૃહમાં લાવવામાં આવશે પૉલિસીઃ મળતી માહિતી પ્રમાણે, ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં રાજ્ય સરકાર પરીક્ષા પદ્ધતિની એક પૉલિસી પણ લાવશે. જે રીતે ઉમેદવારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને જ આ નવી પૉલિસીની વિચારણા રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવી છે. આ પૉલિસીમાં 2 તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં પ્રિલિમનરી પરીક્ષા યોજવામાં આવશે અને આમાં પાસ થનારા વિદ્યાર્થીઓને બીજા તબક્કાની પરીક્ષા આપવાની રહેશે. જ્યારે વર્ગ 3ની પરીક્ષા પ્રક્રિયામાં એક ઑથોરિટીની પણ રચના થઈ શકે છે. આ બાબતે રાજ્ય સરકારે દ્વારા નિષ્ણાતો પાસેથી અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે અને બજેટ સત્રમાં અને સત્તાવાર જાહેરાત પણ રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવશે.