ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના એક શહેરથી બીજા શહેર જવા ફ્લાઇટની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કેશોદ અને અમદાવાદ રાજકોટ તથા પોરબંદર વચ્ચે મિની ફ્લાઈટ પણ ચાલી રહી છે. ઉપરાંત રાજ્ય સરકાર આગામી દિવસોમાં વધુ જિલ્લાઓનો સમાવેશ થાય તેને ધ્યાનમાં લઈને રાજ્યની માલિકીની એર સ્ટ્રીપ વિકસાવવાની તૈયારી કરી રહી છે. ત્યારે હાલમાં તો કોઈ પ્રકારની તૈયાર થઈ નથી. છતાં પણ સરકારે 93 કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો છે. ઉપરાંત સરકારે તમામ જિલ્લામાં એક એક હેલિપેડ પણ તૈયાર કર્યું છે.
આ પણ વાંચોઃ Gandhinagar Cricket Match : ધારાસભ્યોનો ક્રિકેટ મેચ, CM એ બેટિંગ કરી મહિલાઓને જવાબદારી સોંપી
સરકાર આ એરસ્ટ્રીપનું કરી રહી છે આયોજનઃ કૉંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ રાજ્યની માલિકીની એર સ્ટ્રીપ પિકસાવવા બાબતનો પ્રશ્ન વિધાનસભામાં કર્યો હતો. તેના લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સરકાર અંબાજી, દ્વારકા, મોરબી, દહેજ, પાલીતાણા, ધોળાવીરા, રાજકોટ, અંકલેશ્વર, પરચોલી, રાજપીપળા, માંડવી, બેચરાજી અને બગોદરા ખાતે રાજ્યની માલિકીની એર સ્ટ્રીપ વિકસાવવાનું આયોજન હતું. તે પૈકી ફક્ત માંડવી એર સ્ટ્રીપનું કાર્ય પૂર્ણ થયું છે અને મોરબી ખાતે કમ્પાઉન્ડ બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે અંબાજી, નવસારી, ધોળાવીરા અને બગોદરામાં જમીન મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
સરકારે કેટલો કર્યો ખર્ચઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષની પરિસ્થિતિમાં એક જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં 90,13,94,519 અને 1 જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં 3,59,67,412 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમ, છેલ્લા 2 વર્ષમાં 93,73,61,931 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે અત્યાર સુધીમાં ફક્ત માંડવી એસટીનું જ કામકાજ પૂર્ણ થયું છે. તો બાકી તમામ નિયમાનુસાર કાર્યવાહી કરીને વિકસાવવામાં આવશે. તેવો જવાબ પણ રાજ્ય સરકારે ગૃહમાં આપ્યો હતો.
નર્મદા જિલ્લામાં બનશે એરપોર્ટઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં એરપોર્ટ બાબતનો પ્રશ્ન કર્યો હતો. ત્યારે નર્મદા જિલ્લામાં પણ એસટી બનાવવાની કામગીરી રાજ્ય સરકારે હાથ ધરી છે અને કુલ 24,11,61,000 રૂપિયાની નાણાકીય જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. તેમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીને વધુ વેગવંતુ બનાવવા અને વધારે સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી આવે તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકાર હવે નર્મદા ખાતે એરપોર્ટ તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રેલવે સેવાની શરૂઆત કરી છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગામી દિવસમાં નર્મદા જિલ્લામાં એરપોર્ટની પણ શરૂઆત કરશે.