ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે 15મી વિધાનસભા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પહેલા શનિવાર અને રવિવારની રજા રહેતી હતી, પરંતુ હવે સરકારી નિયમ મુજબ, બીજા અને ચોથા શનિવારને છોડીને તમામ શનિવાર એટલે કે, મહિનાના પ્રથમ, ત્રીજો અને પાંચમા શનિવારે ગુજરાત વિધાનસભાની કામગીરી યોજાશે.
15મી વિધાનસભામાં નવો નિયમ આવ્યોઃ 14મી વિધાનસભાની કામગીરીની વાત કરીએ તો, તમામ શનિવારે વિધાનસભાની કામગીરીની રજા રાખવામાં આવતી હતી, જેથી ધારાસભ્ય પોતાના વિસ્તારમાં જઈ શકે અને જાહેર જનતાની વચ્ચે રહી શકે, પરંતુ હવે ગુજરાત વિધાનસભા દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. તે અંતર્ગત બીજો અને ચોથો શનિવાર છોડીને તમામ શનિવાર વિધાનસભા ગૃહની કામગીરી ચાલુ રહેશે. આ નિર્ણયના કારણે વિધાનસભાના ધારાસભ્યોએ ફરજિયાતપણે સોમવારથી શનિવાર સુધી ગુજરાત વિધાનસભામાં રોકાવું પડશે અને ફક્ત એક જ દિવસ રવિવારે જનતાની વચ્ચે રહી શકશે.
ડબલ બેઠકો ઓછી કરવામાં આવીઃ 14મી વિધાનસભામાં મંગળવાર અને ગુરૂવારે ડબલ બેઠકનું આયોજન વિધાનસભા ગૃહમાં કરવામાં આવતું હતું. તેમ જ શનિ-રવિવારની રજા આપવામાં આવતી હતી, પરંતુ 15મી વિધાનસભામાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે પહેલો, ત્રીજો અને પાંચમા શનિવારે કામગીરી કાર્યરત્ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ડબલ બેઠકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આમ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર કુલ 26 દિવસ ચાલશે, જેમાં ફક્ત 2 જ દિવસ એટલે કે, 28 ફેબ્રુઆરી અને 7 માર્ચના દિવસે ડબલ બેઠકનું આયોજન કરાયું છે.
26 દિવસ ચાલશે બજેટ સત્રઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની વાત કરીએ તો, કુલ 26 દિવસ બજેટ સત્ર ચાલશે, જેમાં પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન અને શોભદર્શક ઉલ્લેખો પસાર કરવામાં આવશે અને 24 ફેબ્રુઆરીએ પ્રથમ કલાકે પ્રશ્નોત્તરી અને ત્યારબાદ રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023 24નું બજેટ રજૂ કરશે. આ બજેટ સત્ર દરમિયાન રવિવાર, ધૂળેટી, ચેટીચાંદ જેવી કુલ 10 જાહેર રજા આવશે અને 29 માર્ચે બજેટ સત્ર પૂર્ણ કરવામાં આવશે.
કામકાજ સલાહ સમિતિ બેઠકમાં કૉંગ્રેસના એક જ સભ્યનો સમાવેશઃ વિધાનસભાની કામગીરી માટે કામકાજ સલાહ સમિતિની બેઠક મળે છે. ત્યારે 15મી વિધાનસભામાં સમિતિની બેઠકમાં 10 સભ્યોમાંથી ફક્ત એક કૉંગ્રેસના અમિત ચાવડાને જ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી એક પણ સભ્યોને કામકાજ સલાહ સમિતિની બેઠકમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે આ કામકાજ સલાહ સમિતિની બેઠકમાં સભ્યની વાત કરીએ તો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સંસદીય પ્રધાન ઋષિકેશ પટેલ, નાણાં પ્રધાન કનુ દેસાઈ, શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, પ્રફૂલ્લ પાનસેરિયા, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા અને કૉંગ્રેસના નેતા અમિત ચાવડાને કામકાજ સલાહ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.