અમદાવાદ : ગુજરાતની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પરથી નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવા માટે થઈ રહેલા પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે. મોટાભાગે આવા નશીલા પદાર્થો સાથે ગુજરાતમાં ઘુસતાની સાથે જ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવે છે. એટલું જ નહિ, નશીલા પદાર્થો સાથે આરોપીઓ ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ચેકપોસ્ટ પરથી મુદ્દામાલ સાથે પકડાઈ જાય તે માટે રાજ્યની વિવિધ ચેકપોસ્ટ પર હાઈ ટેકનોલોજી આધારિત સ્કેનર લગાડવા રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે તેમ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
આ પણ વાંચો : Gujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી
10 સફળ દરોડા : પકડાયેલા ડ્રગ્સ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા પ્રધાન કહ્યું કે, રાજ્યનું યુવાધન ડ્રગ્સથી દુર રહે અને રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કે વેચાણ સદંતર બંધ થાય તે માટે ગુજરાત પોલીસ એલર્ટ છે. ડ્રગ્સ માફિયાઓ પર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તારીખ 31મી ડીસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા 10 સફળ દરોડા પાડી 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 6.35 લાખનો ગાંજો અને 13.34 લાખનું એમ.ડી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
ચરસનો જથ્થો પકડવામાં આવ્યો : બનાસકાંઠા જિલ્લામાં 13 દરોડા પાડી પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 3.08 લાખનો ગાંજો, 1.18 લાખનું અફીણ, 97.60 લાખના પોષડોડા/પાવડર અને 1.46 કરોડથી વધુ કિંમતનો ચરસનો જથ્થો પકડવામાં આવ્યો છે. જિલ્લા અને મહાનગરોમાં એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો : Vadodara Drugs Crime : એસઓજીએ મુંબઈના ડ્રગ્સ સપ્લાયર સાથે વડોદરાના ઇસમને ઝડપ્યો, 29 લાખનું ડ્રગ્સ પકડાયું
43 આરોપીઓ સામે PIT : પ્રધાને પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉમેર્યું કે, માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ટ્રાફિકને રોકવાના હેતુથી અને તેની સાથે જોડાયેલા કેસોમાં અટકાયતની જોગવાઈ કરવા માટે અમલી બનેલો કાયદો PIT NDPS ACT 1988 અંતર્ગત ગુજરાતમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.