ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. આજે વિધાનસભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અલગ-અલગ વિભાગો પર પ્રશ્નોત્તરી યોજવામાં આવશે. જેમાં સામાન્ય વહીવટ વિભાગ, ઉદ્યોગ વિભાગ, ગૃહ વિભાગ શહેરી વિકાસ, ખાણ ખનીજ જેવા વિગતો ઉપર ચર્ચા કરવામાં આવશે.
પ્રશ્નોત્તરી કાળ બાદ વિધાનસભાના નિયમ 116 મુજબ વડોદરાના પાદરા તાલુકાના મહુવડ ચોકડી પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત થતાં 13 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા અને 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા. આ ગંભીર અકસ્માતથી આમ જનતામાં ભારે રોષ વધી રહ્યો છે, ત્યારે આવા અકસ્માતો ન સર્જાય અને મૃતકના પરિવારજનોને આર્થિક સહાય મળે તે માટે રાજ્ય સરકારે કોઇ પગલાં લીધા છે કે, નહીં તે બાબતે પણ ખાસ ચર્ચા વિધાનસભાગૃહમાં કરવામાં આવશે.
આ ઉપરાંત વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, આર.સી.ફળદુ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ ગ્રુપમાં પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન પણ કરવામાં આવશે.
વિધાનસભાના મેજ પર મૂકવામાં આવનાર કામકાજની વિગતો
- નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના વર્ષ 2018 19નો વાર્ષિક અહેવાલ
- ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડનો 2019નો વાર્ષિક અહેવાલ
- ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના 2015 16 અને વર્ષ 2016 17નો વાર્ષિક અહેવાલ
- ગુજરાત વૃદ્ધિ કેન્દ્ર વિકાસ નિગમ લિમિટેડનો વર્ષ 2017-18માં વાર્ષિક અહેવાલ
- ગુજરાત હાઉસિંગ બોર્ડનો વર્ષ 2018 19નો વાર્ષિક વહીવટી અહેવાલ અને વર્ષ 2017-18ના વાર્ષિક હિસાબો અને ઓડિટ અહેવાલ
- ગુજરાત સલ્મ ક્લિયર્સ બોર્ડના વર્ષ 2014ની વાર્ષિક હિસાબ અને ઓડિટ અહેવાલ
- ગુજરાત અધ્યાત્મિક વિકાસ નિગમના વર્ષ 2017 18માં વાર્ષિક હિસાબ અને અહેવાલ