ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા જેટલા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના જવાબમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અલગ અલગ વિભાગની કામગીરીની વિગતો આપી હતી. જ્યારે પોતાના પ્રવચન દરમિયાન વિધાનસભાગૃહમાં કોંગ્રેસને પણ આડે હાથે લેવાની તક વિજય રૂપાણી ચૂક્યા ન હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગાંધી અને નરેન્દ્ર મોદીના પદ ઉપર ચાલવા વાળી સરકાર છે. અમે વાસ્તવમાં સુરાજ્ય બને તે દિશામાં આગળ વધી રહ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકને પણ એવો અહેસાસ થાય છે કે હું સરકાર છું અને લોકોને લાગે છે કે આ મારી જ સરકાર છે.
આ જવાબમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેે ભાજપમાં હોય તે આવી જાય, ત્યારે ગુલાબ સિંહ રાજપૂતે જવાબ આપ્યો હતો કે મને કોંગ્રેસે બહુ આપ્યું છે તમે લોકો નહીં આપી શકો. આ સમગ્ર ઘટના બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં લોકોને ભાજપ પક્ષ ગમે છે. ભાજપ પક્ષ એક આકર્ષણ બન્યું છે. જેથી લોકો ભાજપમાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ગૃહ દરમિયાન કોંગ્રેસ દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ વિધાનસભા ગૃહના નેતા વિજય રૂપાણીએ તમામ આક્ષેપ પર જવાબ આપ્યા હતા. ઉપરાંત વિધાનસભા ગૃહમાં વિજય રૂપાણી જ્યારે નિવેદન આપી રહ્યા હતા, ત્યારે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તથા અધિકારીઓ પ્રેક્ષકના સ્વરૂપમાં જોવા મળ્યા હતાં.