ગાંધીનગરઃ ગુજરાતમાં જાહેર પરીક્ષાઓના પેપર પરીક્ષા પહેલાં જ ફૂટી જવાની 14 જેટલી ઘટનાઓ સામે આવી છે. આખરે હવે રાજ્ય સરકાર જાગી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે 23 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવાનું બિલ સર્વાનુમતે પસાર કર્યું હતું. તો હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બિલને લીલી ઝંડી આપી દીધી છે. એટલે હવે આજથી (6 માર્ચ) આ બિલ લાગુ કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યપ્રધાને કરી જાહેરાતઃ ઉલ્લેખનીય છે કે, 23 ફેબ્રુઆરીએ ગુજરાત સરકારે આ કાયદાનું અમલીકરણ વધુમાં વધુ ઝડપથી થાય તે બાબતનું પણ આયોજન હોવાનું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.
નવા કાયદામાં પરીક્ષા માટેની કરી હતી જાહેરાતઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં 23 માર્ચે આ વિધેયક પસાર કરાયું હતું. ત્યારે આ અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હવે જે કોઈ પણ પરીક્ષા યોજાશે. તે નવા કાયદા પ્રમાણે જ યોજાશે. ત્યારે રાજ્યપાલે તાત્કાલિક ધોરણે આ બિલ પાસ કર્યું છે. એટલે હવે 30 એપ્રિલે યોજાનારી હેડ ક્લાર્ક પરીક્ષા સાથે આવનારી તમામ પરીક્ષાઓ નવા કાયદા પ્રમાણે જ યોજવામાં આવશે, જેથી જો કોઈ પણ પેપર પરીક્ષાનું પેપર ફૂટશે તો નવા કાયદા મુજબ આરોપીઓની ધરપકડ કરીને નવા કાયદા પ્રમાણેની જ કાર્યવાહી કરવામાં આવશે.
કોને લાગુ પડશે કાયદોઃ કાયદાની વાત કરતા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ 23 માર્ચે નિવેદન આપ્યું હતું કે, નવી પરીક્ષાઓ પણ આ કાયદા અનુસાર જ લેવામાં આવશે. આ કાયદા મુજબ, જાહેર પરીક્ષા એટલે કે, સરકારી ભરતીની પરીક્ષામાં કોઈ પણ વ્યક્તિ પેપર ફોડે કે પેપર ખરીદે તો તે વ્યક્તિ ગુનેગાર જ છે. આવા આરોપીને 3થી 10 વર્ષ સુધીની જેલની સજા, 1 કરોડ રૂપિયાનો દંડ અને ઉમેદવારોને 2 વર્ષ સીધી જાહેર પરીક્ષામાં અરજી ન કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ઉમેદવાર ફરી આવું કૃત્ય કરશે તો આજીવન જાહેર પરીક્ષા આપી નહીં શકે તેવી જોગવાઈઓ નવા બિલમાં કરવામાં આવી છે.