- કોરોનાકાળમાં આવકની મર્યાદા હોવા છતાં પણ રાજ્યના વિકાસ માટે ખર્ચની ચિંતા સરકારે કરી નથી - સૌરભ પટેલ
- સૌરભ પટેલ - ગુજરાત સરકાર દેવું કરવા અને તેને સરભર કરવા માટે સક્ષમ
- ગુજરાત વર્ષોથી ડબલ ડિજિટ ગ્રોથ રેટ પર ચાલતુ આવ્યુ છે - સૌરભ પટેલ
ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં બજેટ પર ચર્ચા કરતા સમયે ઉર્જા સૌરભ પટેલે અંદાજપત્રની ચર્ચાના ચોથા દિવસે વિધાનસભા ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, આ પ્રગતિશીલ સરકારનું પ્રગતિશીલ બજેટ છે. કરવેરા વગરનું આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે. કોરોનાના કપરા સમયમાં પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક પણ નવા કરવેરા ઉમેર્યા વગરનું બજેટ ગુજરાતની જનતાને આપ્યું છે.
આ પણ વાંચો - વિધાનસભામાં માસ્ક પહેરવા અંગે અધ્યક્ષને કરવી પડે છે ટકોર
લોકોના માથે કોઈ પ્રકારનો કર નાંખવામાં આવ્યો નથી - સૌરભ પટેલ
સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સમયના લીધે વિશ્વના દેશો પણ નાણાંકીય વ્યવસ્થાપનમાં હેરાનપરેશાન છે, ત્યારે ગુજરાતની સરકારે લોકોના માથે કોઈપણ પ્રકારનો બોજ વધાર્યો નથી. ગુજરાત સરકારે 2,27,000 કરોડનું બજેટ આપ્યું છે, પણ અગત્યનું એ છે કે, એકપણ કરવેરા નાંખ્યા વગરનું આ બજેટ છે. દેશના અન્ય રાજ્યોમાં આ વખતે બજેટમાં વેરાઓ વધારવામાં આવ્યા છે, પરંતુ ગુજરાત સરકારે એક પણ રૂપિયાનો વેરો વધાર્યો નથી અને આવક વધારી છે.
આ પણ વાંચો - રાજ્યમાં 2 વર્ષમાં 313 સિંહોના મોત, વિધાનસભામાં સરકારે આપી વિગત
ગુજરાતનો ગ્રોથ રેટ વર્ષોથી ડબલ ડિજિટમાં
ગુજરાત વર્ષોથી ડબલ ડિજિટ ગ્રોથ રેટ પર ચાલતુ આવ્યુ છે, જ્યારે ભારત દેશનો ગ્રોથ રેટ 4થી 6 ટકા હોય છે, ત્યારે ગુજરાતનો ગ્રોથરેટ 10 ટકા કે તેથી વધુ રહ્યો છે. સૌરભ પટેલે સભ્યોના પ્રશ્નોના ઉત્તર આપતા જણાવ્યું કે, કોરોનાના કપરા સમયમાં લોકોને આર્થિક સહાય માટે આત્મનિર્ભરનું પેકેજ આપ્યું છે. પ્રવર્તમાન સમયમાં આવકની મર્યાદા હોવા છતાં પણ રાજ્યના વિકાસ માટે ખર્ચની સહેજ પણ ચિંતા સરકારે કરી નથી.
સરકાર દેવું સરભર કરવા સક્ષમ
સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દેવું કરવા અને તેને સરભર કરવા સક્ષમ છે. ગુજરાત સરકાર કેન્દ્ર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કાયદા પ્રમાણે દેવું કરે છે. એટલું જ નહીં, ખર્ચ કરવામાં પણ ખૂબ તકેદારી રાખે છે. આ સરકાર ગરીબો અને વંચિતોની સરકાર છે. આ સરકારે આદિજાતિના વિસ્તારોના વિકાસ માટે 1 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. એટલું જ નહીં દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ‘‘સાગરખેડૂ યોજના’’ અમલી બનાવી છે. સાગરખેડૂ યોજનાનો 70 લાખ લોકોને લાભ થશે અને સરકારમાં વધુ બે લાખથી વધુ નોકરી આપવા માટેનું આયોજન છે. માત્ર સરકારી નોકરી જ રોજગારીનું સાધન છે, તેવું નથી, પરંતુ ગુજરાત રોકાણકારો માટે વિશ્વાસપાત્ર સ્થળ હોવાથી સમગ્રદેશના ઉદ્યોગો અહીં આવી રહ્યા હોવાથી આ રોકાણોમાંથી 20 લાખ લોકોને રોજગારી આવનારા દિવસોમાં મળશે તેવો વિશ્વાસ છે.
આ પણ વાંચો - વિધાનસભા ગૃહમાં વિવિધ મુદ્દે થઈ ચર્ચા
ગિફ્ટ સિટીમાં રોકાણકારોને 10 વર્ષ સુધીની કર માફી
દેશના રોકાણકારો માટે ગુજરાત હવે ‘‘ફાયનાન્સિયલ હબ’’ પણ બન્યું છે. ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં હાલ એક લાખ કરોડનું ટર્ન ઓવર થઈ રહ્યું છે, એટલું જ નહીં આ ‘‘ફાયનાન્સિયલ હબ’’ ગિફ્ટ સિટીમાં રોકાણ કરનારાને દસ વર્ષ સુધી કરમાફી આપવામાં પણ આવી છે. અહીં સંખ્યાબંધ નેશનલ અને ઇન્ટરનેશનલ બેન્કો કામ કરે છે. 12,000 કરતા પણ વધુ લોકોને અહીં રોજગારી મળી છે. એટલું જ નહીં બ્રિક્સ (BRICS) દેશોની ઝોનલ ઓફિસ પણ અહીં ઉભી થઇ રહી છે.
બજેટની મહત્વની જોગવીઓ
અંદાજપત્રમાં કરેલી જોગવાઈઓ સંદર્ભે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે, રૂપિયા 1,090 કરોડ ખેતી વિષયક ખર્ચ આત્મનિર્ભર યોજનામાં રૂપિયા 578 કરોડ આત્મનિર્ભર યોજનામાં લોન પર વ્યાજ આપ્યું, રૂપિયા 311 કરોડ સ્વરોજગાર યોજનાઓ પાછળ, રૂપિયા 4775 કરોડ ગરીબોને અનાજ વિતરણ અર્થે તથા રૂપિયા 440 કરોડ ઇલેકટ્રીક ડ્યુટીના રિલિફ માટે કર્યો હતો. રૂપિયા 650 કરોડ ઘર વપરાશના જે 200 યુનિટ હતા, તેના 100 યુનિટ માફ કરવામાં કર્યો, જયારે લોકડાઉનમાં રાજ્યના નાગરિકોને મદદની જરૂર હતી, ત્યારે આ સરકાર તેમની સાથે ઉભી રહી છે, તે અભિનંદનને પાત્ર છે.
આ પણ વાંચો - રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા છે મોત, વિધાનસભામાં રાજ્ય સરકારે કર્યો ખુલાસો