ગાંધીનગર: ગુજરાતમાં વિકાસ કરવાના હેતુસર રાજ્ય સરકાર લોન લઈને કામગીરી કરે છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યના નાણાપ્રધાનને ગુજરાત ઉપર કેટલું દેવું છે તેવો પ્રશ્ન કર્યો હતો, જેમાં 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિએ રાજ્યનું કુલ દેવું 3,20,812 કરોડ રૂપિયાનું હોવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. એટલે કે ગુજરાતમાં જન્મ લેતું બાળક 50,000 રૂપિયાની આસપાસના દેવા સાથે જન્મે છે.
સરકારે દેવામાં કરોડો રૂપિયાનું વ્યાજ ચૂક્વ્યુંઃ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાત રાજ્યના દેવા ઉપર રાજ્ય સરકારે છેલ્લા 2 નાણાકીય વર્ષમાં કેટલું વ્યાજ અને મુદ્દલની ચૂકવણી કરવામાં આવી છે. જેના જવાબમાં નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2020-21માં 22, 023 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. તેમ જ 17,920 કરોડ રૂપિયા મુદ્દલ ચૂકવવામાં આવી છે. તો વર્ષ 2021 22ના સુધારેલા અંદાજ મુજબસ 23,063 કરોડ રૂપિયા વ્યાજમાં ચૂકવવામાં આવ્યા છે અને 24454 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવવામાં આવ્યા છે.
સરકારે લેખિતમાં જવાબ આપ્યોઃ તેમણે ઉંમેર્યું હતું કે, જ્યારે રાજ્ય સરકારે દેવું વધારવાના કારણો પણ લેખિતમાં આપ્યા હતા, જેમાં રાજ્યના વિકાસ આયોજનના કામો માટે જાહેર દેવા દ્વારા સંસાધન ઊભા કરવા તે સ્વીકાર્ય પદ્ધતિ છે અને વાર્ષિક વિકાસ યોજનાના ખર્ચની વૃદ્ધિ અનુસાર અને કાયદા હેઠળ નક્કી કરેલી મર્યાદાની અંદર રહીને જ રાજ્યનું દેવું પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
દેવું કાયદાકીય મર્યાદામાંઃ કોઈ પણ રાજ્ય દેવું કરે ત્યારે કાયદાકીય મર્યાદામાં રહીને જેવું કરવામાં આવે છે અને ગુજરાતના દેવા બાબતે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્યનું દેવું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી મર્યાદા એટલે કે GSDPના 27.10 ટકાની સામે 16.50 ટકા જ દેવું છે, જે રાજ્યના સારા નાણાકીય વ્યવસ્થાપનનું પ્રતિક હોવાનો દાવો પણ રાજ્ય સરકારે કર્યો હતો. તેમ જ દેવાનો ઉપયોગ રાજ્ય દ્વારા મૂડી ખર્ચમાં રાજ્યનો વિકાસ અવિરત રીતે આગળ વધે તે રીતે કરવામાં આવતો હોવાનો જવાબ પણ રાજ્ય સરકારે આપ્યો હતો.
બજેટના દિવસે નાણા વિભાગના અધિકારીએ આપી હતી માહિતીઃ 24 ફેબ્રુઆરી 2023ના બજેટના દિવસે નાણાં વિભાગના અધિકારી જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું દેવું મર્યાદામાં છે, અને ગુજરાતનું 22 લાખ કરોડનું ઉત્પાદન છે. તેમ જ 27 ટકા મુજબ ગુજરાત સરકાર 5.75 લાખ કરોડ દેવું કરી શકે છે. આ વર્ષે 30થી 35 હજાર કરોડ નેટ દેવું વધશે.
આ પણ વાંચોઃ GMC Budget: GMCના બજેટમાં સુધારા માટે 44 સૂચનો મળ્યા, હવે અભ્યાસ બાદ અંતિમ બજેટ રજૂ થશે
GST પેટે 98,308.08 કરોડની આવકઃ શહેરના જમાલપુર ખાડિયા વિધાનસભા વિસ્તારના કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા જીએસટીની આવક અને ચોરી બાબતે પ્રશ્ન કર્યો હતો, જેમાં 31 ડિસેમ્બર 2023 સુધીમાં રાજ્યના જીએસટી વિભાગ દ્વારા કુલ 17,229 ઈસમો વિરૂદ્ધ જીએસટી ચોરીના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 1 ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીમાં રાજ્ય સરકારને કુલ 43,779.41 કરોડ રૂપિયા અને 1 ફેબ્રુઆરી 2022થી 31 જાન્યુઆરી 2023 સુધી કુલ 54,528.67 કરોડ રૂપિયાની આવક રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં સૌથી વધુ જાન્યુઆરી 2023 માસમાં 5227.38 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે.