ગાંધીનગર: રાજ્યના સૌરાષ્ટ્રમાં વરસાદનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે ભારે તાંડવ મચાવ્યો છે. જ્યારે ગીર સોમનાથમાં પણ છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડામાં આભ ફાટ્યું છે અને 20 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે. ત્યારે પરિસ્થિતિ વધારે કાબુની બહાર હોવાના કારણે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આજે ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને વધુ મદદની માંગ કરી હતી. જ્યારે ખરી પરિસ્થિતિ જાણવા ETVએ ગીર સોમનાથ કલેકટરને ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ગીર સોમનાથ કલેકટરનો ફોન પર સંપર્ક થઈ શક્યો ન હતો.
25 જેટલા ગામો સંપર્કવિહોણા: ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મળી શક્યા ન હતા. જેથી ટેલીફોનિક વાતચીત કરી હતી અને ત્યારબાદ વિમલ ચુડાસમાએ વાતચીતમાં જણાવ્યું હતું કે સવારના 6 વાગ્યાથી મારી વિધાનસભા વિસ્તારના લોકો મને ફોન કરી રહ્યા છે કે સતત વરસાદ વરસી રહ્યો છે. લગભગ 35 વર્ષ પછી આવી ઘટના સામે આવી છે ત્યારે કિરણ ડેમના દરવાજા ખોલવાના કારણે સોમનાથના નેશનલ હાઈવે પણ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે.
" ભારે વરસાદના કારણે અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, ઘર વખરી ખરાબ થઈ ગઈ છે, ખેડૂતોના ખેતરમાં પાક ધોવાઈ ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વરસાદ બાદ ખાસ સર્વે કરાવીને સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે ભારે વરસાદના કારણે NDRFની વધુ એક ટીમ મોકલીને રેસ્ક્યુ કારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. - વિમલ ચુડાસમા, ધારાસભ્ય, ગીર સોમનાથ
અઢી વર્ષના બાળકનું મોત: વિમલ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે એક અઢી વર્ષના બાળકનું પણ મૃત્યુ થયું છે અને જ્યારે લોકોની સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં ફસાયા છે. હાલમાં એનડીઆરએફની ટીમ ત્યાં કામ કરી રહી છે. પરંતુ વધુમાં વધુ ટીમમાં મોકલીને લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત પાણીના કારણે અમુક જગ્યાએ ના પહોંચી શકાય તેવી જગ્યાએ લોકો માટે પૂર પેકેટની વ્યવસ્થા કરવાની પણ માંગ વિમલ ચુડાસમાએ કરી હતી.