મળતી માહીતિ મુજબ દહેગામ-બાયડ હાઈવે પર આવેલી એક પેપર મિલમાં છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના કામદારો નોકરી કરી રહ્યા છે. ત્યારે પરિવાર સાથે મિલના સંકુલમાં જ આ તમામ પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ પરિવારના સાત બાળકો પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં નાહવા માટે ગયા હતા. પરંતુ પાંચ બાળકો પરત આવતા આ સમગ્ર મામલાની ખબર પડી હતી. મેશ્વો નદીમાં નહાવા ગયેલા પાંચ બાળકો પૈકી બે બાળકો ડૂબી ગયાના સમાચાર ઘરે આવતાની સાથે જ પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું.
મેશ્વો નદીમાં 8 વર્ષીય વિપુલ રાજુભાઇ સીંગાભાઈ રાઠવા, જ્યારે 7 વર્ષીય આશા ભણતાભાઈ મોહનભાઈ રાઠવા નદી ધસમસતા પ્રવાહમાં ડૂબી ગયા હતાં. જેમાં વિપુલનો મૃતદેહ મળી આવ્યો છે. પરંતુ આશાનું મુતદેહ હજુ સુધી હાથ લાગ્યો નથી. દિવસ દરમિયાન ફાયરબ્રિગેડના કર્મચારીઓએ નદીમાં આ લાપતા બાળકને શોધવામાં મહેનત કરી હતી. પરંતુ તેનો મૃતદેહ ક્યાંય પણ મળ્યો ન હતો. મેશ્વો નદીમાં નાહવા પડેલા બાળકોને ડૂબી જવાની એક વર્ષમાં આ બીજી ઘટના બની છે.
અગાઉ સુજાના મુવાડામાં એક બાળક ડૂબી ગયું હતું. ખનન માફિયાઓ દ્વારા નદીને ખોદી નાખવામાં આવી રહી છે. ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓના પાપે નિર્દોષ બાળકો નદીમાં જીવ ગુમાવી રહ્યા છે. 50-50 ફૂટ ઊંડા ખાડા કરીને રેતીચોરી કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં આરામ ફરમાવી રહ્યું છે. હપ્તાની આડમાં ખનન માફિયાઓ સામે કોઇ પગલાં ભરવામાં આવતા નથી.