ગાંધીનગર : જૈન સમાજની ધાર્મિક આસ્થાનું દેવસ્થાન એવું ગાંધીનગરના માણસા ખાતે આવેલું મહુડી મંદિર છે. આ મંદિરમાં કાલી ચૌદસના હવનનું ખુબ મહત્વ છે. લોકો દેશ વિદેશથી ગુજરાતના મહુડી મંદિરમાં આવે છે, ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે કે, જેમાં મહુડી મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરની છાપ ખરાબ કરી છે. ટ્રસ્ટીઓએ મંદિરમાંથી સોનાના વરખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને માણસા પોલીસ કાયદેસર ફરિયાદ દાખલ કરીને નિલેશ કાંતિલાલ મહેતા અને સુનિલ મહેતાની ધરપકડ કરી છે.
કેવી રીતે ચોરીને આપ્યો : માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી ભુપેન્દ્ર વોરા ફરિયાદમાં લખાયું હતું કે, ઘંટાકર્ણ મહાવીર મંદિરના ટ્રસ્ટીઓ તરીકે કાર્યરત હતા. તે દરમિયાન મંદિરના સોનાના વરખમાંથી આશરે 700થી 800 ગ્રામ સોનાની વરખ કે જેની કિંમત આશરે 45 લાખ રૂપિયા થાય છે. જેમાં આરોપી નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ વરખની ચોરી કરી હતી અને તમામ સ્ટાફને અંધારામાં રાખીને ચોરીને અંજામ આપ્યો હતો, જ્યારે ભગવાન દાદાને ચઢાવવામાં આવેલ સોનાની વરખ તે ચડાવ્યા પછી ડોલમાં મૂકવામાં આવે છે.
રોકડ રકમની પણ ચોરી : તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં જ સોનાની વરખ ડોલમાં ભંડાર રૂમમાં મૂકવામાં આવે છે. જ્યારે બંધ રૂમમાંથી ડોલ કાઢવામાં આવે ત્યારે તમામ ટ્રસ્ટીઓ હાજર હોવું જરૂરી હોય છે, પરંતુ આ લોકોએ પોતાની રીતે જ સોનાના વરખની ડોલ તેમજ સોના ચાંદીની લગડીઓ બહાર કાઢેલી હતી અને એકાઉન્ટની ઓફિસમાં લઈ જઈને અન્ય લોકોને જમવા જવાનું કહીને ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે રોકડ રકમની ચોરીમાં CCTVમાં પણ સ્પષ્ટ દ્રશ્યો સામે આવે છે. જેમાં આરોપી વધુ રૂમાલની અંદર રૂપિયાનું બંડલ લઈને કોઠાર રૂમમાં ફરતા દેખાય છે.
સુખડની બોટલ મંગાવી : ભગવાન દાદાને ચડાવવામાં આવતી સોનાની વરખમાં સુખદની સુગંધ આવે છે, ત્યારે એકાઉન્ટની ઓફિસમાં સુખડની સુગંધ સોનાની વરખમાંથી ન આવે તે માટે નિલેશ મહેતાએ મંદિરના પૂજારી જનકભાઈ પાસેથી તેલ મંગાવેલું હતું. જેનાથી સુખડની સુગંધ ન આવે અને વરખ જેવું જ લાગે અને તે તેલ પોતાના બે હાથમાં ઘસીને અને શરીર પર લગાડી દીધું હતું. જેના કારણે સોનાના વરખના ઉતારામાં સુખડના તેલનું મિશ્રણ હોય છે, ત્યારબાદ નિલેશ મહેતાએ સોનાના વરખની ડોલ એકાઉન્ટની ઓફિસમાં લાવ્યા હતા.
700થી 800 ગ્રામ ઉચાપત : તેમાંથી 700થી 800 ગ્રામ જેટલા સોનાની વરખ લઈ લીધી હતી અને જ્યારે નિલેશ મહેતા ઓફિસમાં આવ્યા ત્યારે તેમની પાસે બે થેલા હતા. પરંતુ જ્યારે સ્ટાફના માણસો જમીને તરત ઓફિસમાં આવ્યા ત્યારે તેમની પાસે એક પણ થેલા ન હોવાનું પણ પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે આમ દાદાના સોનાના વરખની 700થી 800 ગ્રામ ઉચાપત થયું હોવાનું સ્ટાફના માણસો દ્વારા પૂછપરછ કરતા સામે આવ્યું હોવાની ફરિયાદમાં લખાયું છે. જ્યારે નિયમ પ્રમાણે તમામ ટ્રસ્ટીઓ હાજર હોય ત્યારે જ ભંડાર રૂમ ખોલવામાં આવતો હતો. પણ આ ટ્રસ્ટીઓએ પોતાની રીતે જ ભંડાર રૂમ ખોલ્યો હતો.
આ પણ વાંચો : Surat Crime: ભિખારીના વેશમાં લાખોની ચોરી કરનાર કંજર ગેંગની 6 મહિલાઓની ધરપકડ
CCTV બંધ હોવાથી મોકળું મેદાન : માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે નિલેશ મહેતા કે જેઓ પોતે ટ્રસ્ટી હોવા છતાં પણ મંદિરના ભંડાર એટલે કે દાન પેટીમાંથી પણ પૈસાની ઉચાપત કરતા હતા. જેથી અન્ય ટ્રસ્ટીઓએ શંકાના આધારે મંદિરના સીસીટીવી ફૂટેજ જોયા હતા. જે બંધ પરિસ્થિતિમાં હતા, ત્યારે નિલેશ મહેતાને ખબર ન પડે તે રીતે આ સીસીટીવી ચાલુ કરેલા હતા, ત્યારબાદ થોડા દિવસ બાદ ફરીથી 19 અને 20 માર્ચના રોજ સીસીટીવી ફૂટેજ ચેક કરતા નિલેશ કાંતિલાલ મહેતાની હિલચાલ શંકાસ્પદ જણાવી આવી હતી. આ ઉપરાંત રોકડ રકમનું પણ એક અવાય તેઓએ ખીચામાં મૂક્યું હોવાની પણ શંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : રેવ પાર્ટી કરવા માટે ગુજરાત સહિત દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
મુંબઇના ટ્રસ્ટીએ નોંધાવી ફરિયાદ : ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર દાદાનું મંદિર કે જે મહુડી નામથી ખૂબ પ્રસિદ્ધ છે, ત્યારે મુંબઈ સ્થિત ભુપેન્દ્ર શાંતિલાલ વોરાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે નિલેશ કાંતિલાલ મહેતા કે જેઓ વાસણા અમદાવાદના રહેવાસી છે અને સુનિલ બાબુભાઈ મહેતા કે જેઓ પાલડી અમદાવાદના રહેવાસી છે. જેમાં હાલમાં માણસા પોલીસે ફરિયાદ નોંધીને બંને ટ્રસ્ટીઓની ધરપકડ કરીને ચોરી બાબતે વધુ તપાસ હાથ ધરી છે.