ગાંધીનગર: દેશમાં સ્વચ્છતાનનું મહત્વ સ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની રાષ્ટ્રીય સ્પર્ધા સ્વચ્છ સર્વેક્ષણ 2020માં ગાંધીનગર મહાપાલિકાએ પણ મેદાન માર્યું છે.
મેયર રીટાબેન પટેલે કહ્યું હતું કે, ગાંધીનગરને ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ કેટેગરીમાં બેસ્ટ સ્ટેટ કેપિટલનો રાષ્ટ્રીય એવોર્ડ ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. ઉપરાંત 1 લાખથી 10 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છતાના શ્રેષ્ઠ માપદંડ હાંસિલ કરવા બદલ ગત વર્ષે ગાંધીનગરનો ક્રમ 22મો હતો. તેમાં આ વર્ષે 8મો નંબર આવ્યો છે. મહાપાલિકાની સમગ્ર ટીમને મેયર દ્વારા આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
ગાંધીનગરને ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ કેટેગરીમાં બેસ્ટ સ્ટેટ કેપિટલનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ભારત સરકારના શહેરી ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છ મહોત્સવ અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સંબંધિ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશના 4,237 શહેરો જોડાયા હતાં.
જ્યારે 1 લાખથી 10 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરો વચ્ચેની સ્પર્ધામાં ગાંધીનગર 8મા નંબરે વિજેતા બન્યું છે. અગાઉ વર્ષ 2018માં ગાંધીનગરનો નંબર 26મો અને વર્ષ 2019માં 22મો નંબર રહ્યો હતો.
શહેરીજનો, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓના સહયોગથી જોગિંગની સાથે પ્લાસ્ટિક વિણવાની નવતર ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેમાં મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, શૈક્ષણિક સંકુલો, બાલઉદ્યાન સહિતના વિસ્તારોમાંથી પ્લાસ્ટિકનો કચરો ઉઠાવવામાં આવ્યો હતો.
શહેરમાં પાન મસાલાની દુકાનોને પ્લાસ્ટિક વિરોધી અભિયાનમાં જોડવામાં આવી છે. તેમના વ્યવસાયના સ્થળે ધ્યાનાકર્ષક કચરાપેટીઓ મુકવાની સાથે તેમને પ્રશિક્ષીત કરાયા સાથે જ ઓટોરિક્ષા ચાલકોને પણ મીની કચરાપેટીઓ અપાઇ હતી.
રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલનો કોન્સેપ્ટ મુકાયો હતો. દરેક વોર્ડમાં સૌની દિવાલ નામથી સ્ટેન્ડ ઉભા કરાયા અને વસાહતીઓને ન જોઇતી હોય તેવી ઉપયોગી કપડા, બુટ, ચપ્પલ, વાસણ જેવી ચીજો ત્યાં મુકી જવા અપિલ કરાઇ હતી. જરૂર હોય તેવા લાભાર્થી અહીંથી તેવી ચીજો લઇ જાય છે.