ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવતા હોય છે ત્યારે સહકાર બાબતની બેઠક હંમેશા યોજાતી હોય છે. સમગ્ર દેશમાં સહકાર ક્ષેત્રે ગુજરાત પ્રથમ નંબર ઉપર છે. ત્યારે હજુ પણ વધુ સારી સુવિધા કરવા માટે આજે સહકાર વિભાગની સુધારા સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં હવેથી એપીએમસીની ચૂંટણી ઈવીએમથી કરવા તથા રજિસ્ટ્રાર કચેરીઓને ડિજિટલ કરવાનો નિર્ણય પણ અત્યારે સૈદ્ધાંતિક રીતે લેવામાં આવ્યો છે.
જિલ્લા રજિસ્ટ્રાર સાથે સમીક્ષા બેઠક : સહકાર વિભાગના ગુજકોમાસોલ ખાતે સહકારપ્રધાન જગદીશ વિશ્વકર્માએ પેક્સને બહુહેતુક બનાવવા તથા પેક્સ થકી લોકોને સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા રજિસ્ટ્રાર્સ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
પેક્સ થકી ગ્રાહક સેવાઓ, ખાતર વિતરણ સુવિધા, મત્સ્ય ઉદ્યોગ, પેટ્રોલ ડીઝલ વેચાણ, ડિજિટલ સર્વિસ જેવી અનેક સેવાઓને સાંકળવામાં આવશે. રાજ્યના એવા કેટલા ગામો છે કે જેમાં એક કરતાં વધારે મંડળીઓ કાર્યરત છે. તેમજ રાજ્યમાં પેક્સની સુવિધા વધી શકે તે માટે કયા જિલ્લામાં કેટલી તકો રહેલી છે, તેવી જરૂરી માહિતી જિલ્લા રજિસ્ટ્રારને આપવા માટે સૂચના આપી હતી...જગદીશ વિશ્વકર્મા(સહકાર પ્રધાન)
ઓછી સંખ્યા ધરાવતી ગ્રામની વિગતો મંગાવાઈ : બેઠકમાં સરકારે જે ગામમાં જનસંખ્યા ઓછી છે અથવા પેકસ શક્ય નથી, તેવી માહિતી પણ એકઠી કરવાની સૂચના આપી છે. રજિસ્ટ્રારમાં સહકારી મંડળીમાં જે સભાસદો અવસાન પામ્યા છે તેમના નામ દૂર કરવા આવશે જેથી બોગસ મતદાન ન થાય. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3,72,122 સભાસદોનું અવસાન થયું છે અને 2,06,293 સભાસદો રદ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં 1,65,829 સભાસદો રદ કરવાના બાકી છે. તેમજ નાની મોટી મંડળીઓ બંઘ થઇ છે કે ફંડચામાં ગઇ છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
કયા કામો પર ભાર આપવામાં આવશે? : જિલ્લા રજિસ્ટ્રારઓની સમીક્ષા બેઠકમાં સહકાર રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ પેક્સ મોડલ બાયલોજીની અમલવારી, તમામ ગ્રામ પંચાયતોમાં પેક્સ ડેરી અને ફિશરીઝ કો-ઓપરેટીવ સોસાયટીઝની રચના કરવા, સામાન્ય સેવા કેન્દ્રો (CSC) તરીકે પેક્સની પસંદગી, પેક્સ દ્વારા નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOS) ની રચના, એલ.પી.જી. ડિસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ આઉટલેટની કામગીરી માટે પેક્સ કક્ષાએ રજિસ્ટ્રેશન બાબત, પેક્સ દ્વારા સંચાલિત બલ્ક કન્ઝ્યુમર પેટ્રોલ પંપને રિટેલ આઉટલેટમાં રૂપાંતરિત કરવા પર ભાર મૂકાશે.
આ મુદ્દાઓ પણ ધ્યાને લેવાયા : પેક્સને જન ઔષધિ કેન્દ્રો તરીકે નોંધણી અંગે, PMKSK કિસાન સમૃદ્ધિ કેન્દ્ર તરીકે પેક્સ કક્ષાએ ચલાવવા, ગ્રામ્ય પાઈપ વોટર સપ્લાય સિસ્ટમના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે પેક્સને કામગીરી સોંપવા, મલ્ટી સ્ટેટ કો.ઓપ.સોસાયટીમાં મંડળીઓને સભાસદ બનાવવા બાબત, સહકારી મંડળીઓમાં અવસાન પામેલ સભાસદોને દૂર કરવા, 7 વર્ષથી સ્થગિત હોય તેવી સહકારી મંડળીઓને ફડચામાં લઈ જવા નોંધણી રદ કરવા, ઓડીટ કામગીરીની, ઇ–કોઓપરેટીવ MIS પોર્ટલ પર થયેલ ડેટા એન્ટ્રીની સમીક્ષા કરવામાં આવી હતી.