ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2006 થી સરકારી નોકરીમાં ફિક્સ પ્રથાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ફિક્સ પગાર નીતિમાં સરકારી કર્મચારીઓના શોષણ થતું હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા ભૂતકાળમાં મુકવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત સરકારની ફિક્સ પગાર નીતિ બાબતે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે હજુ સીધી કોઈ નિર્ણય નથી આવ્યો. ત્યારે હવે સરકારી ફિક્સ પે કર્મચારીઓ દ્વારા સરકારનો અનોખો વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 70 થી 80 હજાર કર્મચારીઓ ફિક્સ પેમાં નોકરી કરી રહ્યા છે.
ફિક્સ પે નો વિરોધ કેમ : રાજ્ય સરકારના ફિક્સ પે કર્મચારીઓના આગેવાન ભારતેન્દુ રાજગોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી કર્મચારીઓ 5 વર્ષના ફિક્સ પગારમાં કામ કરી રહ્યા છે, જેમાં તેઓને અનેક નાણાકીય નુકશાન થાય છે. જ્યારે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તેમ છતાં 6 કે 7 માં વર્ષે રેગ્યુલર ફૂલ પગાર તરીકે લેવામાં આવે છે. ફિક્સના કર્મચારીઓ માટે TA, DA ની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગ્રેજ્યુઇટી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સાથે જ જ્યારે કોઈ કર્મચારી સરકારી નોકરી દરમિયાન બીજી સરકારી નોકરીમાં પરીક્ષા આપે છે ત્યારે નોકરી બદલે તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓ માટે ફરી 5 વર્ષ માટે ફિક્સમાં નોકરી કરવાનો વારો આવે છે.
છેલ્લા 7 વર્ષમાં અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. તે માટે જ પ્રથમ વખત આવી રીતે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટમાં પ્રથા નાબૂદ કરવાની સૂચના આપી હતી. આ નીતિ હોવાને કારણે કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ પણ નથી મળતું. સમગ્ર દેશમાં ફકત ગુજરાતમાં આવી નીતિ છે. આમ 5 વર્ષના ઇજાફા નથી મળતાં. કાયમી કરવા માટે વધુ 1 થી 2 વર્ષ જતા રહે છે. જેથી આની અસર નોકરીની નિવૃત્તિ સુધી રહે છે, જેથી કર્મચારીને ઓછામાં ઓછું 5 થી 7 લાખ રુપિયાનું નુકશાન થાય છે...ભારતેન્દુ રાજગોર (ફિક્સ કર્મચારી મંડળ આગેવાન )
સરકાર સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે : રાજગોરે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2012માં ગુજરસ્ત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ફિક્સના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવલે અરજી સરકાર પરત ખેંચે તે માટે રાજ્યપાલ, મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવશે.
કયા વિરોધ કાર્યક્રમો આયોજિત થશે : રાજ્ય સરકારમાં 4 લાખથી વધુ ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા આગામી સમયમાં વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં રક્ષાબંધન તહેવારમાં મહિલા કર્મચારીઓ અને કર્મચારીઓના પત્ની દ્વારા મુખ્યપ્રધાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર સાથે રાખડી મોકલવામાં આવશે. જન્માષ્ટમી તહેવાર બાબતે ફિક્સ પે મટકી ફોડના કાર્યક્રમો તમામ સરકારી ફિક્સ કર્મચારીઓની આવાસ યોજનામાં અને ગરબામાં ફિક્સ પે દૂર કરોના પોસ્ટર સાથેની ગરબા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત 4 નવેમ્બર બ્લેક શુક્રવાર ડેનું આયોજન કરવામાં આવ્યું છે.