ગાંધીનગરઃ અત્યારે ગુજરાતના પાટનગરમાં ઠેર ઠેર વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર આ સમિટને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે ગાંધીનગરના બ્યૂટીફિકેશન માટે જીએમસીને 33 કરોડ રુપિયાની પણ ફાળવણી કરી છે. જીએમસી વાયબ્રન્ટ સમિટમાં આવનારા ડેલિગેટ્સ માટે માય બાઈક સર્વિસ ફરીથી શરુ કરવા જઈ રહી છે. જીએમસી આ સર્વિસ ફરીથી શરુ કરવા પાછળ 12 લાખ રુપિયાનો ખર્ચ કરવાની છે.
'માય બાઈક' સર્વિસ અંગેઃ જીએમસી વાયબ્રન્ટ સમિટ અંતર્ગત 1 મહિના માટે 12 લાખના ખર્ચે 'માય બાઈક' સર્વિસ ફરીથી શરુ કરવા જઈ રહી છે. જેનો કોન્ટ્રાક્ટ અમદાવાદમાં કાર્યરત 'માય બાઈક' સર્વિસ એજન્સીને આપવામાં આવશે. ફરીથી શરુ થતી આ સર્વિસમાં કુલ 100 નવી સાયકલનો સમાવેશ કરવામાં આવશે. જેમાંથી 80 સાયકલ પેડલ હશે જ્યારે 20 સાયકલ બેટરી સંચાલિત હશે. વાયબ્રન્ટ સમિટમાં આવનારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ સરળતાથી આ સર્વિસનો લાભ લઈ શકે તે માટે હોટલ લીલા, મહાત્મા મંદિર અને જનપથ રોડના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર આ સર્વિસના ખાસ સાયકલ સ્ટેનડ પણ બનાવવામાં આવશે.
ગાંધીનગરમાં અગાઉ 'માય બાઈક' સર્વિસ શરુ કરવામાં આવી હતી. જો કે તેને નાગરિકોનો યોગ્ય પ્રતિસાદ ન મળતા બંધ કરી દેવામાં આવી હતી. હવે વાયબ્રન્ટ સમિટ અંતર્ગત ફરીથી એક મહિના માટે આ સર્વિસ શરુ કરવામાં આવે છે. જો તેને યોગ્ય પ્રતિસાદ મળશે તો આ સર્વિસ યથાવત રાખવામાં આવશે. આ સર્વિસ પાછળ એક મહિના માટે જીએમસી 12 લાખ રુપિયાનો ખર્ચ કરશે...જશવંત પટેલ(સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ગાંધીનગર મહા નગર પાલિકા)
મીલકત વેરા સંદર્ભે મહત્વના ફેરફારઃ જીએમસી દ્વારા મીલકત વેરા સંદર્ભે પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 25,000 સુધીનો મીલકત વેરો ટેક્સ ઈન્સપેક્ટર, 50,000 સુધીનો મીલકત વેરો ટેક્સ કલેક્ટર, 3,00,000 સુધીનો મીલકત વેરો નાયબ મ્યુનિ. કમિશ્નર અને 3,00,000થી વધુનો મીલકત વેરો જીએમસી કમિશ્નર કમી કરી શકશે. જીએમસી પાસે પોણા બે લાખ જેટલી મીલકતો છે. જેના મીલકત વેરા પેટે કરોડોની આવક જીએમસીને થઈ રહી છે.