ગાંધીનગર : ચોમાસાની સિઝનમાં અનેક લોકો જ્યાં વહેતું પાણી હોય તેવા ભયજનક રસ્તા પસાર કરવાની કોશિશ કરતા હોય છે. જેમાં જીવ જવાનું જોખમ હોય છે, અમુક કિસ્સામાં તેઓને મોત મળે છે. ત્યારે ગાંધીનગરના દશેરા ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે ગોઝારી ઘટના બની હતી. જેમાં એક કાર પાણીમાં ગરકાવ થવાના કારણે ચાર વ્યક્તિઓનું તળાવમાં ડૂબવાથી મોત થયું છે. હજુ પણ એક વ્યક્તિ અને ગાડીની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.
5 લોકોના મોતની માહિતી : બનાવની મળતી વિગત અનુસાર ગાંધીનગરના દશેરા વિસ્તારમાં આવેલા તળાવમાં એક કાર બપોરના સમયે ડૂબી હતી. અકસ્માત બાદ તળાવમાંથી ચાર વ્યક્તિઓના મૃતદેહ ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા મળતી માહિતી પ્રમાણે તળાવની અંદર ગાડી અને એક વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.
પોલીસ તપાસ : ફાયર બ્રિગેડ દ્વારા અનેક પ્રયાસો છતાં પણ એક વ્યક્તિનો મૃતદેહ અને ગાડી મળી ન હતી. હજુ પણ મૃતદેહની શોધખોળ ચાલુ છે. જ્યારે આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા ગાડી કોની હતી ?, શા માટે તેઓ તળાવ પાસે આવ્યા હતા તે તમામ બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે.
ગાડી અને એક મૃતદેહ લાપતા : ગાંધીનગર ગ્રામ્ય વિસ્તાર દશેલામાં આવેલા તળાવમાં ગાડી ડૂબી જવાને કારણે 5 લોકોના જીવ ગયા હોવાની માહિતી છે. જેમાંથી મળી આવેલા 4 મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ ફાયર વિભાગ દ્વારા કાર અને એક વ્યક્તિના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.