ગાંધીનગર: પીઆઈ એસ. જે. રાજપૂતના માર્ગદર્શનમાં સક્રિય ઈન્ફોસિટી પોલીસને જુગારધામ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે હોટેલ સ્લીપ ઈનના રૂમ નં-511માં રેડ કરી હતી. જેમાં જુગારધામનું સંચાલન કરતા મોહસીન અમદભાઈ અબ્દાની સાથે જુગાર રમવા બેઠેલા અન્ય 14 શખ્સો ઝડપાયા હતા. જ્યારે ત્રણ યુવતીઓ અને ત્રણ યુવકો જુગારીઓને પત્તા અને કોઈન સહિતની અન્ય સેવાઓ માટે ખડેપગે હતાં.
જ્યારે ઝડપાયેલા જુગારીઓમાં વસ્ત્રાલનો પ્રફુલભાઈ રામાભાઈ પટેલ, સુરતના નિલેષ ગુણવંતભાઈ સરોડીયા, સતીષ પ્રહલાદભાઈ ભટ્ટ, બોપલનો મહેન્દ્ર ઘનશ્યામભાઈ લીમ્બાચીયા, સોલાના રીતેશ અમરતભાઈ પટેલ, શૈલેષ ચીનુભાઈ પટેલ, મોરબીના નરેન્દ્ર છગનભાઈ પટેલ, ધર્મેન્દ્ર છગનભાઈ પટેલ, જૂનાગઢના નરેન્દ્ર જીવણભાઈ ગોરસીયા, મનીષ જીવણભાઈ ગોરસીયા, અશ્વીન બાલભ્રહ્મ બીદોરીયા, ધોળકાનો રાકેશ રમેશભાઈ પટેલ, અમરેલીનો કાનજી બચુભાઈ પટેલ, દશક્રોઈના ભૂપેન્દ્ર ધનાભાઈ પટેલનો સમાવેશ થાય છે.
જુગારીઓની સેવા રહેતાં યુવકોમાં પશ્ચિમ બંગાળના પ્રોવોન્ગ નોવોન્ગ છીરી, રતજ જીવન ગરમેર તથા નેપાળના રાજન રામબહાદુર બીસ્ટને રખાયા હતા. નેપાળની રૂમા લક્ષ્મણ બોહરા, ડેઝી ઓમ પ્રતાપ આલીયા, સંજુ સુરેશ શીટૌલા છેલ્લા પાંચેક વર્ષથી મુખ્ય સુત્રધારા મોહસીન અબ્દાની સાથે કામ કરતી હતી.
સામાન્ય રીતે તે વિદેશમાં જુગાર રમવા લઈ જતો હતો, પરંતુ કોરોનાને પગલે મોહસીને ગાંંધીનગરમાં હોટેલ ગોઠવણ કરી હતી. પોલીસે હોટેલના બે મેનેજર એવા છાલાના રૂષિક ભીખભાઈ ચૌધરી તથા પોર ગામના મહમંદ શાહનવાજ શકીલને વોન્ટેડ જાહેર કર્યા છે. જેઓએ અમુક ટકા પૈસાની લાલચે જુગાર રમાવા દીધો હોવાનું કહેવાય છે.
પોલીસે ઘટના સ્થળેથી 20,240 રોકડા, 23 મોબાઈલ, 6 કાર, પ્લાસ્ટીકના કોઈન 607 મળી કુલ 15,92,740ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે તમામ લોકો સામે જુગારધારા, જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.