ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ તંત્ર અધિકારીઓ જ ચલાવી રહ્યા છે તેવી છાપ ઊભી થઈ છે. જન પ્રતિનિધિઓનું અધિકારીઓ સાંભળતા નથી તેવી અનેક ફરિયાદો અને રજૂઆત ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં કરવામાં આવી છે. તાજેતરમાં જ ભાજપના ધારાસભ્ય મોહન ઢોઢિયાએ અધિકારી રાજ હોવાનું મહુવામાં નિવેદન આપ્યું હતું. આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ(GAD) દ્વારા તમામ વિભાગના અધિકારીઓ પ્રતિનિધિઓને જવાબ આપવાની કડક સૂચના આપવામાં આવી છે.
GADની સૂચનાઃ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હસ્તક રહેલા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે સત્તાવાર નોટિફિકેશન અપાયું હતું. જેમાં સાંસદ સભ્ય ધારાસભ્ય અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની કામગીરી અર્થે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કચેરી સમય દરમિયાન ફોન પર સંપર્ક કરવા ના થતા હોય છે. આ સંજોગોમાં પ્રતિનિધિઓને યોગ્ય પ્રતિભાવો મળે તે માટે સરકારી અધિકારીઓને સૂચના અપાઈ છે.
વ્યસ્ત કાર્યક્રમ બાદ પણ અધિકારી સંપર્ક કરેઃ કચેરી સમય દરમિયાન તેમની કચેરીના લેન્ડલાઈન ફોન ઉપર સંપર્ક કરે અને કોઈ સંજોગોમાં સંબંધિત અધિકારી જે તે સમયે ઉપસ્થિત ન હોય અથવા મિટિંગમાં હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ પદાધિકારી સાથે વાત કરી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં તેઓ પોતાના વ્યસ્ત સમયમાંથી ફ્રી થઈને ચૂંટાયેલા પદ અધિકારીઓને સામેથી ફોન કરવો પડશે. અધિકારીઓ જ્યારે કચેરીમાં હાજર ન હોય ત્યારે અધિકારીના અંગત મદદનીશ ફોનની યાદી કરીને અધિકારીને ધ્યાનમાં મૂકવાની સૂચના પણ અપાઈ.
મુખ્યપ્રધાન પટેલનો ખૂબ સારો નિર્ણય છે કે નંબર સેવ રાખવા અને અધિકારીઓએ જવાબ આપવા, હું આ નિર્ણયને આવકારું છું...ધવલસિંહ ઝાલા(ધારાસભ્ય, બાયડ)
અપક્ષ ધારાસભ્યોમાં ખુશીની લહેરઃ અપક્ષ ધારાસભ્યોએ આ નિર્ણયને સહર્ષ વધાવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ સાથે છેડો ફાડીને અપક્ષ ચૂંટણી લડેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ GADના આ નોટિફિકેશનને આવકાર્યુ હતું.