ગાંધીનગર: ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની સુકાન સંભાળતા જ સ્કોર્પિયો ગાડીને પોતાના કાફલામાં સમાવેશ કર્યો હતો. વડાપ્રધાન બનતા જ નરેન્દ્ર મોદી દિલ્હી ગયા અને ત્યાર બાદના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલ અને આનંદીબેન પટેલના રાજીનામા બાદ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ પણ સ્કોર્પિયો ગાડીનો ઉપયોગ પોતાના કાફલામાં કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ એ પણ જૂની સરકારમાં સ્કોર્પિયોમાં જ ફરતા હતા ત્યારે આજથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્કોર્પિયોની જગ્યાએ પોતાના કાફલામાં ફોર્ચ્યુનર ગાડીનો સમાવેશ કર્યો છે.
ફોર્ચ્યુનર ગાડીનો સમાવેશ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કાફલાને બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફોર્ચ્યુનર ગાડી ખરીદી પણ લેવામાં આવી હતી. કુલ છ ગાડીઓ ખરીદવામાં આવી છે જેનું તબક્કાવાર ટેસ્ટીંગ થઈ રહ્યું છે. પ્રથમ ગાડી એટલે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કે જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે ગાડીનો ઉપયોગ કરે છે તે તેમની જ ગાડીમાં હવે સ્કોર્પિયો નહીં પરંતુ ફોર્ચ્યુનર ગાડીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જોવા મળશે.
આ પણ વાંચો International Mother Language Day 2023: ગુજરાતી ભાષાએ આપ્યા દુનિયાને અનેક વિભૂતિઓ
ગાડીનો કલર ન બદલાયો: ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલ્વર કલરની ગાડીને પોતાના કાફલામાં જગ્યા આપી હતી. ગુજરાત રાજ્યના તમામ મુખ્ય પ્રધાનોનો કાફલો સિલ્વર કલરની ગાડીથી જ બનેલો છે ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકારમાં પહેલા અને હાલમાં પણ સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડીનો કાફલો છે. આવનારા સમયમાં જ્યારે તમામ ગાડીઓ ફોર્ચ્યુનર થશે ત્યારે આ તમામ ગાડી સિલ્વર કલરની જ રાખવાનો નિર્ણય પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં જે નવી ગાડી ફોર્ચ્યુનરનો ઉપયોગ શરૂ થયો છે તે પણ સિલ્વર કલરની જ રાખવામાં આવી છે.
બુલેટ પ્રૂફ કાચથી સજ્જ: સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે પ્રાથમિક ધોરણે અત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને જ આ ગાડી ફાળવવામાં આવી છે. જેની કિંમત 35 લાખની આસપાસ હોવાનું સામે આવ્યું છે. આવનારા દિવસોમાં તબક્કાવાર મુખ્ય પ્રધાનના કાફલાની તમામ ગાડીઓ બદલવામાં આવશે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની જે ફોર્ચ્યુનર ગાડી છે તે સંપૂર્ણ રીતે બુલેટ પ્રૂફ કાચથી સજ્જ કરવામાં આવી છે જ્યારે અન્ય ગાડીઓ અત્યારે ટેસ્ટિંગ હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે.