ગાંધીનગર : જિલ્લાના પૂર્વ કલેકટર એસ.કે. લાંગા જ્યારે કલેકટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અજયસિંહ ઝાલા કલેકટર કચેરીમાં DCLR તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી મુજબ ઝાલાનું મુખ્ય કામ ગાંધીનગર જિલ્લાની જમીનના પ્રીમિયમ અને ગણોતનું હતું. મુખ્ય ફરિયાદમાં પ્રીમિયમ ઓછું ભરીને સરકારને 20 કરોડ રૂપિયાનું નુકશાન કરાવ્યાની લેખિત ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયેલ છે.
કુબેર ડીંડોરના પીએસને બરતરફ કરાયા : સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ઝાલાની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત જ્યારે સમગ્ર મામલે SIT તૈયાર કરવામાં આવી હતી તેમ પણ GADને મળેલ રિપોર્ટ મુજબ અજયસિંહ ઝાલાનું નામ સામે આવ્યું છે. જેથી તાત્કાલિક ધોરણે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તકના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સિંગલ ઓર્ડર પર કેબીનેટ શિક્ષણ પ્રધાન કુંબેર ડીંડોરના પીએસ તરીકે ફરજ બજાવતા અજયસિંહ ઝાલાને ફરજ મુક્તીનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
ડિંડોર ઘટનાની અજાણ? : કુબેર ડીંડોર સમગ્ર મામલે એસ.કે લાંગાની કામગીરી અને તપાસનો રેલો સ્વર્ણિમ સંકુલ 1 માં પહોંચ્યો છે. અજયસિંહ ઝાલાને ફરજ મુક્તિનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે ETV ભારત સાથે શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાની મને કોઈ જ પ્રકારની જાણ નથી મને હમણાં જ જાણ થઈ છે. કારણ કે હું છેલ્લા બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત હતો. જ્યારે મળતી માહિતી મુજબ સિંગલ ઓર્ડર ઇસ્યુ થતા કુબેર ડીંડોર દ્વારા ઓફિસમાં 2 કલાક બેઠક કરીને સમગ્ર બાબતે માહિતી પણ લેવામાં આવી હતી.
અધિકારીઓની તપાસ બાકી : ગાંધીનગર નામદાર કોર્ટમાં લાંગાને હાજર રાખતા દરમિયાન ગાંધીનગર પોલીસે પણ લાંગાની સાથે કામકાજ કરનાર અધિકારીઓની પણ તપાસ હજુ બાકી હોવાનું પણ કોર્ટમાં સત્તાવાર નિવેદન ભૂતકાળમાં આપ્યું છે. ત્યારે જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા એસ.કે લાંગાના સમય કાર્યકાર દરમિયાન જેટલા પણ મહત્વના હોદ્દા ઉપર અધિકારીઓ અને કર્મચારીઓ હતા તે તમામ લોકોની તપાસ કરવામાં આવશે ત્યારે જ વધુ કર્મચારીઓ સંડોવાયેલા છે કે નહીં તે સ્પષ્ટ થશે.