રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 3173 પરીક્ષા કન્દ્રો નક્કી થયા હતા અને કુલ 57 સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રના સીલબંધ બોક્સ મૂકાયા હતા. પ્રશ્નપત્ર છાપવા માટે ખાનગી એજન્સીને અપાયા હતા અને એજન્સીએ 14થી 16 નવેમ્બર દરમિયાન સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રોના બોક્સ મોકલ્યા હતા, ત્યાંથી ૧૭મી નવેમ્બરે સવારે 10 કલાકે પરીક્ષા કેન્દ્ર પર સીલબંધ કવરમાં પ્રશ્નપત્રો મોકલાયા હતા.
પરીક્ષા પૂર્ણ થયા બાદ મંડળના નિયુક્ત કરેલા અધિકારીઓ મારફતે OMR સીટના સીલબંધ પેકેટ તથા અન્ય સાહિત્ય પોલીસ પહેરા સાથે પરીક્ષા કેન્દ્રો પરથી જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં અને ત્યાંથી ગાંધીનગર ખાતે આવેલી મંડળની કચેરીમાં લવાયા હતા. જો કે આ બધા વચ્ચે જ કોઈએ પેપર ફોડીને અગાઉથી ફરતા કરી દીધા હતા.
ફરિયાદ મુજબ પરીક્ષા શરૂ થયા અગાઉના કોઈપણ સમયે કેટલાક અજાણ્યા ઈસમોએ ઉમદેવારોનો અગાઉથી સંપર્ક કર્યો હતો અને નાણાં આપવા તૈયાર થયા હોય તેવા ઉમેદવારને પાસ કરાવવા માટે પૂર્વઆયોજિત કાવતરુ ઘડવામાં આવ્યુ હતું.
17મી નવેમ્બરે 12 કલાકે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ નક્કી કરેલા ઉમેદવારોને મોબાઈલ ફોનથી પરીક્ષાનું પ્રશ્નપત્ર મોકલી અપાયું હતું. આ ષડયંત્રમાં પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ જવાબદાર હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં આઈપીસીની કલમ 406, 420, 409, 120બી અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે.