- આત્મારામ પરમાર સાથે ETV ભારતે કરી ખાસ વાતચીત
- ગઢડા વિધાનસભા બેઠક પર આત્મારામ પરમારે મેળવી છે જીત
- આજે વિધાનસભામાં લીધા ધારાસભ્ય તરીકેના શપથ
ગાંધીનગરઃ આત્મારામ પરમાર રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે વર્ષ 2017 વિધાનસભાની ચુંટણીમાં તેઓ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓની કારમી હાર થઇ હતી. જોકે, અઢી વર્ષ બાદ યોજાનારી પેટાચૂંટણીમાં આત્મારામ પરમાર ફરીથી જીત્યા છે. આત્મારામ પરમારને અઢી વર્ષ સુધી વિધાનસભા ગૃહથી દૂર રહેવાનો પણ વારો આવ્યો હતો, પરંતુ હવે ગુરૂવારે શપથ લીધા બાદ તેઓ ફરીથી વિધાનસભા ગૃહમાં જોવા મળશે.
આત્મારામ પરમાર મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટેના પ્રબળ દાવેદાર
ગઢડા વિધાનસભા બેઠક પર આત્મારામ પરમારે જીત મેળવી છે, ત્યારે મંત્રીમંડળમાં જો વિસ્તરણ અથવા તો ફેરફાર થાય તો આત્મારામ પરમાર મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટેના પ્રબળ દાવેદાર છે. તેઓ પોતાના સમાજમાં પણ એક અનોખું સ્થાન ધરાવે છે. સાથે જ સમાજ પર મજબૂત પકડ હોવાના કારણે પણ તેઓને મંત્રીમંડળમાં સ્થાન આપે તેવી વાતો પણ ચૂંટણીના પરિણામો બાદ સામે આવી રહી છે. જો આત્મારામ પરમારને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો ઈશ્વર સિંહ પરમારનું પત્તું કપાય શકે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને ફરીથી સાબિત કરીશ
પ્રધાન બનવાને લઈ ETV ભારતના સવાલનો જવાબ આપતા આત્મારામ પરમારે જણાવ્યું હતું કે, મને પ્રધાન બનાવવો કે નહીં તે સરકાર અને સંગઠનનો પ્રશ્ન છે. આ મારો પ્રશ્ન નથી. સરકારે જે કહેશે તે ફરજ નિભાવવા હું તૈયાર છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કામગીરી હું જનતા સમક્ષ લઈ જઈશ અને સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને ફરીથી હું સાબિત કરીશ.