રાજ્ય સરકારે વીજ માફીની પ્રક્રિયાની ઓનલાઈન કરી છે. 22 નવેમ્બરથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પહેલા ઉદ્યોગકારોને વીજ માફીપત્ર મેળવવા માટે 6થી 8 મહિનાની રાહ જોવી પડતી હતી. પરંતુ હવે ઓનલાઈન પ્રક્રિયાના કારણે ઉદ્યોગકારો સરળતાથી વીજ માફીપત્ર મેળવી શકશે.
આ અંગે વાત કરતાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં કોઈ પણ ઉદ્યોગ સ્થાપિત થાય તે માટે વિદ્યુત અરજી કરવી પડતી હતી. જેમાં રાજ્ય સરાકર 5 વર્ષ માટે માફી આપે છે. તેમજ ઉદ્યોગોને અરજી કર્યા બાદ 6 થી 8 મહિનામાં માફી પત્ર મળે છે. પરંતુ હવે ટેક્નોલોજીના માધ્યમથી લોકો અરજી કરશે અને ડિજિટલ સિગ્નેચર દ્વારા 24 કલાકમાં માફી પત્ર મેળવી શકશે. આ પ્રક્રિયા 22 નવેમ્બરથી અમલમાં આવશે.
આ ઓનલાઈન સિસ્ટમ દ્વારા વર્ષે 3 હજારથી વધુ ઉદ્યોગકારો લાભ મેળવી શકશે. ઓનલાઈન સિસ્ટમમાં ફેસ લેસ સિસ્ટમથી ઉદ્યોકારો ખૂબ સરળતાથી લાભ મેળવી શકશે. તેમજ વીજમાફી પ્રમાણપત્ર પણ તાત્કાલિક મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અનેક સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં મહેસૂલની પણ અનેક યોજનાઓ ઓનલાઈન કરાઈ છે. ઉદ્યોગકારોની સરળતા માટે રાજ્ય સરકારે વિદ્યુત કર માફીપત્ર પણ ઓનલાઈન કરીને 24 કલાકમાં વીજ માફીપત્ર આપવાની જાહેરાત કરી છે.