દહેગામ શહેરનો મુખ્ય માર્ગ...જ્યાં હજારો લોકોની અવરજવર રહે છે, જ્યાં મોટા પ્રમાણમાં દુકાનો અને મકાનો આવેલા છે, તે જગ્યાએ કેટલાય સમયથી નગ્ન અવસ્થામાં પડી રહેલા એક વૃદ્ધ માણસ પોતાના મૃત્યુને પણ કહી રહ્યા હશે કે હવે જલ્દી આવી અને મને લઈ જા હવે સહન નથી થતું.
દહેગામના પ્રસિદ્ધ સાંઈબાબાના મંદિરની બાજુમાં જ આ વૃદ્ધ કેટલા સમયથી બહાર આવી દશામાં પડેલા હશે તે નથી ખબર. આ વૃદ્ધ માણસની બાજુમાં જ નજીકના ગામડાઓમાં જવા માટેનું એક બસ સ્ટોપ છે, લાઈનમાં કરિયાણાથી માંડી અને નાસ્તાની દુકાનોની હારમાળા છે. સાંઈબાબાનું મંદિર હોવાથી ગુરુવારે લોકોની ભીડ જામે છે, પરંતુ કોઈ માણસના મનમાં કેમ એવો વિચાર નહિ આવ્યો હોય કે આ ગરીબ લાચાર વૃદ્ધને એક કપડું તો ઓઢાડીને એનું શરીર ઢાંકીએ.
કેટલાય દિવસોથી રસ્તા પર નગ્ન હાલતમાં પડી રહેલા આ વૃદ્ધ માણસ સામે શું કોઈની દૃષ્ટિ જતી નથી ? આખી જિંદગી ગરીબ દુઃખી લાચાર અને બીમાર લોકોની સેવા કરનાર આજે જ્યારે ખુદ નિસહાય છે ત્યારે કોઈના મનમાં દયાની લાગણી નથી જાગતી.
માત્ર લોકો જ નહિ પરંતુ, તમામ રાજકીય પક્ષોના સરઘસ પોલીસ તંત્રની ગાડીઓ, 108 એમ્બ્યુલન્સ અને અનેક સરકારી વાહનો પણ આ જગ્યાએથી પસાર થાય છે, પણ શું કોઈને આ વૃદ્ધ વ્યક્તિ નજરમાં નહી ચઢ્યો હોય? ધૃણાસ્પદ બાબત તો એ છે કે હાલમાં જ એક સામાજિક સંસ્થા દ્વારા ભલાઈની દીવાલ બનાવવામાં આવી છે અને એ ભલાઈની દિવાલ પર કપડાં લટકી રહ્યા છે, પણ તેનાથી થોડા જ અંતરે સૂતેલા આ નગ્ન વૃદ્ધના શરીર પર કોઈએ કપડું ઓઢાડવાની તસ્દી લીધી નથી.
કહેવાય છે કે ગરીબનું દર્દ એક ગરીબ જ સમજી શકે છે કોઈ ધનવાન નહીં એનું ઉદાહરણ પુરૂ એક નાના બાળકે પૂરું પાડ્યું હતું એક નાના બાળકને આ વૃદ્ધની દયા આવી કે ખુદ ભગવાને તેને સ્ફૂરણા કરી હોય તેમ આ બાળક પોતાની છત્રી આ વૃદ્ધ માણસને આપતો નજરે ચડ્યો હતો. પોતાના મૃત્યુની રાહ જોતા આ વૃદ્ધના અંતિમ દિવસોમાં શું તેનો હાથ કોઈ સરકાર કે સામાજિક સંસ્થાઓ પકડશે અને તેનું મૃત્યુ સુધારશે?
કોઈ માણસને રાજ્યમાં ભૂખ કે ગરીબીથી નહીં પીડાવા દઈએ - ગરીબ લોકો માટે કટિબદ્ધ આ સરકારના કાર્યકરો, અધિકારીઓ કે અન્ય નાગરિકોના ધ્યાનમાં કેમ આ વૃદ્ધ નહીં આવતા હોય? રાજ્યમાં કાળજાળ ગરમી પડી, આવી ભીષણ ગરમીમાં પણ આ વૃદ્ધ રોડ પર નગ્ન હાલતમાં હતા ત્યારે માનવતાવાદી લોકો એસી રૂમમાં બેસી અને સમાજ કલ્યાણની વાતો કરી રહ્યા હશે અને ગરીબ કલ્યાણ માટે નવી નીતિઓ ઘડતા હશે.