ગાંધીનગર: ગુજરાતના તમામ 8 મહાનગરપાલિકા 33 જિલ્લા અને 14,000થી વધુ ગ્રામ પંચાયતોમાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળે છે. કોઈ અજાણ્યો વ્યક્તિ પસાર થાય તો શ્વાન તરત જ તેમના ઉપર હુમલો કરે છે. ઉપરાંત શ્વાનના કરડવાથી લોકોના મોત પણ થયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ કુલ 12,55,066 લોકોને શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવી છે.
શહેરમાં શ્વાનનો આતંક: ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં ક્યાં પ્રકારના પ્રાણીઓ કેટલા નાગરિકોને કરડવાના બનાવો સામે આવ્યા છે તેવો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 સુધીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ 2020-21માં 46436, વર્ષ 2021-22 માં 50,397 અને વર્ષ 20223માં 60,330 નાગરિકોને કૂતરું કરડ્યું હોવાની ઘટના સામે આવી છે. આમ ફક્ત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં 3 વર્ષમાં 1,57,163 નાગરિકોને શ્વાને કરડી ખાધા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 8 નાગરિકોના મોત પણ થયા છે.
સાપના ડંખ મારવાના કિસ્સા: રાજ્યમાં શ્વાન કરડવાની સંખ્યા બાદ સાપ કરડવાની ઘટના પણ સામે આવી છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ 23,537 જેટલા નાગરિકોને સાપે ડંખ માર્યા હોય તેની વિગતો રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આમ વર્ષ 2020-21માં 7901, વર્ષ 2021-22માં 7656 અને વર્ષ 2022-23માં 7980 નાગરિકોને સાપે ડંખ માર્યા છે. ઉપરાંત સાપ કરડવાના કારણે વર્ષ 2020-21માં 18 નાગરિકો, વર્ષ 2021-22 માં 54 નાગરિકો અને વર્ષ 2022-23માં 43 નાગરિકો સહિત કુલ 115 નાગરિકોના મોત નોંધાયા છે.
અન્ય જાનવરોએ પણ લીધો ભોગ: જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કુતરા અને સાપ સિવાય અન્ય પ્રાણીઓ જેવા કે ઊંટ, બિલાડી, જંગલી જાનવરોએ પણ નાગરિકોને ઈજાગ્રસ્ત કર્યા છે કે નહીં તે બાબતનો પ્રશ્ન કર્યો હતો તેના પ્રતિ ઉત્તરમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં 3713 નાગરિકો, વર્ષ 2021-22 માં 4857 નાગરિકો અને વર્ષ 2022-23 માં 8718 જેટલા નાગરિકોને ઊંટ બિલાડી અથવા તો જંગલી જાનવરોએ કરડવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે આ ઘટનાઓમાં પણ 30 નાગરિકોએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા હોવાનું સરકારે કબુલ્યું છે.
સરકાર કરી રહી છે મોનિટરીગ: ગુજરાતમાં શ્વાન, બિલાડા, સાપ, ઊંટ અને જંગલી જાનવરો દ્વારા નાગરિકોને કરડવાની ઘટનામાં ઘટાડા સાથે નહીવત થાય તેના માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કંટ્રોલ પ્રોગ્રામ અને બાઈટ પ્રોગ્રામ દ્વારા તમામ કેસોનું દૈનિક મોનિટરિંગ પણ કરવામાં આવતું હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. તમામ કેસની માહિતી કેન્દ્ર સરકારના IHIP પોર્ટલ રાજ્યની તમામ હોસ્પિટલો દ્વારા દૈનિક એન્ટ્રી પણ કરવામાં આવે છે. સાથે જ રેબીજ ફ્રી સિટી માટે રાજ્યકક્ષાએ તમામ જિલ્લાના વડા અને કોર્પોરેશનના વડાને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે. જ્યારે તમામ કોર્પોરેશન અને જિલ્લાઓમાં પૂરતી દવાઓ પણ રાખવામાં આવે છે. ઉપરાંત શહેરી વિસ્તારોમાં શ્વાનની જનસંખ્યા કાબુમાં રહે તે માટે સતત ખસીકરણ કરવામાં આવી રહ્યું છે.