આ બાબતે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો, ડૉક્ટર હડતાલ પાડશે તો સરકાર તેમની સામે એસ્માના કાયદા હેઠળ પગલાં લેશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં તબીબો સાથે મારામારીની ઘટના થયા બાદ ગુજરાતના વલસાડમાં બનેલી ઘટનાથી ડૉકટર્સ હવે આંદોલન તરફ વળ્યા છે.
રાજ્યના સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબોને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી તેમની માંગણીઓને લઈને આગામી 1 ઓગસ્ટના રોજ તબીબોના મંડળ દ્વારા હડતાલ પાડવાની ચીમકી આપવામાં આવી છે. જો કે, તબીબોની ચીમકી સામે સરકારે પણ તેમને એસ્માના કાયદાનો ડર બતાવ્યો છે.
આ કાયદામાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા સરકારી મેડિકલ કોલેજ, અને મેડિકલ એજ્યુકેશન અને રીસર્ચ સોસાયટી તેમજ મેડીકલ કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલોમાં જો સ્ટાફ દ્વારા હડતાળ પાડવામાં આવશે, તો તેની સામે ગુજરાત એસેન્શિયલ સર્વિસ મેન્ટેન્સ એક્ટ 1972 કાર્યવાહી કરવામાં આવશે.
આ નોટીફિકેશન રાજ્ય સરકાર માન્ય મેડીકલ ટીચર, ગુજરાત મેડીકલ રિસર્ચ સોસાયટી કોલેજ તેમજ હોસ્પિટલમાં લાગુ પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્યની સેવાઓને આવશ્યક સેવાઓ ગણવામાં આવે છે. ત્યારે તેમણે પોતાની માંગણીને લઇને હડતાલ પાડવી તે યોગ્ય નથી. હડતાલ પાડવાના કારણે અનેક દર્દીઓને યાતનાઓ સહન કરવી પડે છે. જેને લઇને સરકારને પણ ક્યાંક નીચા જોવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.