પાક નિષ્ફળ જવાને લઇને આજરોજ મુખ્યપ્રધાનની કૃષિ સચિવ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૂચન આપ્યું હતું કે ખેડૂતોએ પાક વિમો ઉતરાવ્યો નથી, તેવા ખેડૂતોના કિસ્સામાં રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ આજથી જ નુકસાનીના સર્વેનું કામ શરૂ કરશે અને નુકસાન અંદાજ મેળવ્યા બાદ એસ. ડી. આર. એફ. ના નિયમો અનુસાર સહાય ચૂકવવામાં આવશે. આ વરસાદથી ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે.
એક ઇંચ જેટલો વરસાદ થયો હોય તેવા તાલુકા
- સુરેન્દ્રનગરના 7 તાલુકામા નુકસાન થયું છે. વઢવાણ, લખતર, સાયલા, ચુડા, દસાડા, ધાગધ્રા, લીંબડી
- ખેડા જિલ્લાના 5 તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું છે. વાસો, માતર, કપડવંજ, મહુધા, કઠલાલ
- ભરૂચ જિલાના 4 તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું છે. અંકલેશ્વર, વાઘરા, વાલિયા, ભરૂચ
- મોરબી જિલ્લાના 4 તાલુકામાં પાકને નુકસાન થયું છે. વાંકાનેર, ટંકારા, મોરબી, હળવદ
- અમદાવાદના 3 તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું છે. ધંધુકા, બાવળા, માંડલ
- આણંદ જિલ્લાના 3 તાલુકામાં વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું. આણંદ, આંકલાવ, બોરસદ
- નર્મદા જિલ્લાના 3 તાલુકામાં વરસાદથી પાકને નુકસાન. નાંદોદ, ટીલકવાડા, ગ્રુડેશ્વર
- અરવલ્લી જિલ્લાાના 2 તાલુકામાં પાકને નુકસાન. બાયડ, મોડાસા
- નવસારી જિલ્લાના ગણદેવી અને જલાલપોરમાં પાકને નુકસાન
- રાજકોટ જિલ્લાના જેતપુર અને પડધરી તાલુકામાં નુકસાન
- વડોદરા જિલ્લાના વડોદરા અને સીનોર તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું
- અમરેલી જિલ્લાના વાડિયા તાલુકામાં પાકને નુકસાન
- છોટા ઉદેપુરના છોટા ઉદેપુર તાલુકામાં પાકને નુકસાન થયું
- ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા નુકસાન
રાજ્યના ૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં છેલ્લા ૩ દિવસમાં ૧ ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. જેમાં રાજ્ય સરકાર નુકસાની સંદર્ભમાં બે તબક્કે સર્વેની પ્રક્રિયા હાથ ધરશે, તદ ઉપરાંત જે ખેડૂતોએ પાકનો વીમો ઉતરાવ્યો છે. તે ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે, ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરશે અને નુકસાનીની સહાય ધારા ધોરણો મુજબ ચૂકવવામાં આવશે.
જે ૪૪ તાલુકાઓમાં વરસાદ થયો છે. તેમાં સુરેન્દ્રનગરના ૭, ખેડાના ૫, ભરૂચના ૪, મોરબીના ૪, અમદાવાદ, આણંદ, નર્મદાના ૩-૩, અરવલ્લી, નવસારી, રાજકોટ અને વડોદરાના ૨-૨ તેમજ અમરેલી, છોટાઉદેપુર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ અને વલસાડના ૧-૧ તાલુકાઓનો સમાવેશ થાય છે.