ગાંધીનગર: કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે આજે આઠ કોસ્ટલ કલેકટર ઉપરાંત એનડીઆરએફ-એસડીઆરએફ એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમીક્ષા કરી હતી. અત્યાર સુધીમાં બીપરજોય જ્યાં ત્રાટકવાનું છે તેવા દરિયાકિનારેથી 0-5 કિલોમીટર સુધીમાં 21,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બિપરજોય વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 280 કિલોમીટર પોરબંદરથી 300 કિલો મીટર અને 310 તથા નલિયાથી 330 કિલોમીટર દૂર હોવાનો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
15 તારીખે બિપોરજોય ટકરાશે: રાહત કમિશનર આલોક પાંડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિપરજોય નામનું વાવાઝોડું 15 તારીખે સવારે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાનું હતું, પરંતુ હવે હવામાન વિભાગની આગાહી મુજબ 15 તારીખે 130 કિલોમીટર પ્રતિ કલાકના પવનની ગતિ સાથે વાવાઝોડું સાંજના અથવા તો બપોરના સમયે લેન્ડફોલ થશે. સુરક્ષા બાબતની વાત કરવામાં આવે તો NDRF ની ટીમ જૂનાગઢ, પોરબંદર, ગિરસોમનાથ, મોરબી અને વલસાડમાં 1-1 ટીમ, કચ્છમાં 4, દ્વારકામાં 3, રાજકોટ 3 અને જામનગર 2 NDRF ની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.
NDRF-SDRF ખડેપગે: બરોડામાં 2 અને ગાંધીનગર ખાતે 1 NDRF ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. જ્યારે SDRF ની વાત કરવામા આવે તો જૂનાગઢ, સોમનાથ, મોરબી,પાટણ, બનાસકાંઠા, પોરબંદરમાં 1-1 SDRF ની ટીમ, કચ્છ જામનગર અને દ્વારકામાં 2-2 એસડીઆરએફની ટીમ મૂકવામાં આવી છે. સુરત ખાતે 1 SDRF ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આમ NDRF કુલ 22 ટિમ અને SDRF ની કુલ 13 ટીમને ડિપ્લોય કરવામાં આવી છે.
'અત્યાર સુધીમાં દરિયાકિનારેથી ઝીરોથી પાંચ કિલોમીટર સુધીમાં 21 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 500 કચ્છ જિલ્લામાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 કુલ 20,588 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલમાં પણ સ્થળાંતરની કામગીરી ચાલુ છે અને સાંજ સુધીમાં પાંચ કિલોમીટરની અંદર વસતા લોકોનું સંપૂર્ણપણે સ્થળાંતર કરી લેવામાં આવશે. રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ઝાડ પડી જવાથી એક-એક મૃત્યુ પણ નોંધાયું છે.' -આલોક પાંડે, રાહત કમિશનર
સેન્ટ્રલ એન્જસીઓ સાથે તંત્ર સંપર્કમાં: આલોક કુમાર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાને ધ્યાનમાં લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર છે અને સેન્ટ્રલ એજન્સીઓ સાથે પણ સતત સંપર્કમાં છીએ. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે પણ તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સને કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ સાથે પણ સાયક્લોન ટકર આવ્યા બાદ કઈ રીતની કામગીરી કરવાની રહેશે તે બાબતની પણ સમીક્ષા અને આયોજન કર્યું હતુ.