ગાંધીનગર: ગુજરાતના દરિયાકિનારે બિપરજોય સંકટમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગેની તાગ મેળવ્યો હતો. જેમાં 15 જૂનના રોજ સાંજે 4થી 8 કલાક વચ્ચે બિપરજોય વાવાઝોડું 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કચ્છના ઝખો બંદર ત્રાટકશે. આજથી 3 દિવસ સુધી એટલે કે 14 થી 16 જૂન દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાશે.
ખૂબ જ ખતરનાક વાવાઝોડું: હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મુખ્યપ્રધાન પટેલ સાથેની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જ બપોરેથી જ વાવાઝોડાની અસર શરૂ થશે. આ ખૂબ જ ખતરનાક વાવાઝોડું છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છમાં લેન્ડફોલ કરશે. લેન્ડ ફોલ થયા બાદ સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટ કચ્છ દ્વારકા સહિત આઠ જિલ્લાઓ અને આસપાસના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. જ્યારે આ વાવાઝોડું 135 kmની સ્પીડથી લેન્ડફોલ કરશે. હવાની સ્પીડ પણ 130 પ્રતિ કિલોમીટર કલાકની રહેશે.
3 કિલોમીટર પ્રતિ કલાકે વાવાઝોડું આગળ વધી રહ્યું છે: મનોરમા મોહંતીએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બિપરજોય નામનું વાવાઝોડું ૩ કિલોમીટર પ્રતિ કલાકથી આગળ વધી રહ્યું છે. જેમ જેમ સમય જશે અને દિવસ આગળ વધશે તેમ તેમ વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થશે. ગઈકાલે વાવાઝોડાની સૌથી વધુ સ્પીડ 12 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આમ સાંજ સુધીમાં ફરીથી તે વધુ સ્પીડે આગળ વધશે. કચ્છના જખૌ બંદરે લેન્ડ થયા બાદ સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં હવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ પણ થશે.
200 કિમીની ત્રિજ્યામાં એક સરખી અસર: વાવાઝોડાની જે આંખ એટલે કે મુખ્ય કેન્દ્ર છે તેનો ઘેરાવો 200 kmનો છે. ત્યારે જખૌ બંદર ખાતે વાવાઝોડું લેન્ડફોલ કરશે. તે દરમિયાન 200 kmની ત્રિજ્યાના વિસ્તારમાં એક સરખી અસર થશે. જ્યારે કચ્છમાં લેન્ડ થનાર બિપરજોય વાવાઝોડાની અસર પાકિસ્તાનના કરાચીમાં પણ જોવા મળી શકે છે.