ગાંધીનગર: બિપરજોય વાવાઝોડાની અસરોને પહોંચી વળવા માટે ગુજરાત સજ્જ છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ વિભાગો દ્વારા પોતાની ટીમ પર તૈયાર કરવામાં આવી છે ત્યારે વાવાઝોડુ રાત્રે 9થી 12 કલાકની વચ્ચે ત્રાટકશે. રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગ દ્વારા કઈ તૈયારીઓ કરવામાં આવી તે માટે જુઓ ETV ભારતના સંપૂર્ણ અહેવાલ.
NDRF-SDRF ટીમો તૈનાત: ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠાના 7 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ) અને પાટણ, બનાસકાંઠા, સુરતમાં 12 SDRF ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે અને 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી છે. વાવાઝોડું, વરસાદ અને પવનના જોરને ધ્યાનમાં રાખીને પૂર્વતૈયારીરૂપે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 4317 હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે, જેથી જાનમાલની હાનિને ટાળી શકાય. આ ઉપરાંત આ 8 જિલ્લાઓમાં 21,595 હોડીઓને લંગારવામાં આવી છે.
હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા: આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલોમાં 100% ડીઝલ જનરેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી તબીબી મદદ મળી રહે તે માટે કુલ 202 જેટલી 108 એમ્બ્યુલન્સ અને 264 સરકારી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વસતી સગર્ભા મહિલાઓ તેમજ તેમની અંદાજિત ડિલિવરીની તારીખોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેથી તેમને સમયસર યોગ્ય સારવાર આપી શકાય. આ જિલ્લાઓમાં કુલ 197 DG સેટ ફાળવવામાં આવ્યા છે.
કંટ્રોલ રૂમની વ્યવસ્થા: 11 જૂનથી જ ગુજરાતમાં રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેડિકલ ટીમ અને સ્પેશિયાલિસ્ટ્સને મોકલવામાં આવ્યા છે, જેમાં મોરબીમાં 10, કચ્છમાં 15, દ્વારકામાં 5, જામનગરમાં 2, ગિર સોમનાથમાં 2 અને 30 જેટલા સ્પેશિયાલિસ્ટ્સ ડોક્ટરોને સંભવિત અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન્સમાં એન્ટિ એપિડેમિક ડ્રગ્સનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
મેડિકલ ટીમ્સની વ્યવસ્થા: આ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ RRT અને દરેક તાલુકામાં 2 મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાંની અસરોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે રૂ.50 લાખની ગ્રાન્ટ પણ રીલીઝ કરવામાં આવી છે, જેમાં કચ્છમાં રૂ.15 લાખ અને બાકીના 7 જિલ્લાઓમાં રૂ.5 લાખ પ્રતિ જિલ્લો ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવી છે. અસર હેઠળ આવનારા સંભવિત જિલ્લાઓમાં 92 વેક્ટર કંટ્રોલ ટીમ તહેનાત કરવામાં આવી છે.
ઊર્જા વિભાગ પણ સ્ટેન્ડ બાય: ઊર્જા વિભાગનો કંટ્રોલ રૂમ પ્રવૃત્ત કરવામાં આવ્યો છે. ઊર્જા વિભાગ હેઠળ, PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 597 ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તૈનાત કરવામાં આવી છે. PGVCL દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં કુલ 889 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે GETCO દ્વારા આસપાસના જિલ્લાઓમાં કુલ 81 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં જીસીબી, ડમ્પર, ટ્રેક્ટર, લોડર વગેરે જેવી સાધન-સામગ્રી સાથે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 132 ટીમો તૈનાત કરવામાં આવી છે.
કોમ્યુનિકેશન પ્લાન: સરકારના માહિતી ખાતા દ્વારા વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે તે પહેલા 13 જૂનની સાંજથી શરૂ કરીને આજ સુધીમાં રાજ્યના 6 સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 65 લાખ મોબાઇલ ધારકોને મુખ્યમંત્રીનો વોઇસ મેસેજ (OBD – આઉટબાઉન્ડ ડાયલિંગ) મોકલવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વાવાઝોડા પૂર્વે રાખવા પડતા સાવચેતીના પગલાં વિશે જાણકારી આપવામાં આવી હતી. આ જ પ્રમાણે આશરે 65 લાખ મોબાઇલ ધારકો સુધી મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ, અને આવા બીજા પાંચ સંદેશાઓ, જેમાં વાવાઝોડા પૂર્વે રાખવી પડતી સાવચેતીના ટેક્સ્ટ મેસેજ, તમામ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન નંબર્સ અને ટેલિવિઝન કમર્શિયલ્સને વીડિયો ફોર્મેટમાં વોટ્સએપ મેસેજ મારફતે મોકલવામાં આવ્યા હતા.
એશિયાટિક સિંહના ઝોનમાં મોનિટરીંગ: જૂનાગઢના વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝન અંતર્ગત કુલ 184 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ વન્ય પ્રાણીઓના બચાવ, રેપિડ એક્શન, ઝાડ હટાવવા સહિતની વિવિધ કામગીરી કરશે. વન્ય પ્રાણીઓ માટેના ઇમરજન્સી SOS મેસેજ મેળવવા માટે 58 કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝનમાં જૂનાગઢ ફોરેસ્ટ સહિત ગીર પૂર્વ, ગીર પશ્વિમ, સાસણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે.
હાઇટેક મોનિટરીંગ દ્વારા સિંહો પર નજર: કુદરતી આફતો દરમિયાન સિંહોની હિલચાલ પર દેખરેખ રાખવા માટે સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા સિંહોના ટ્રેકિંગ માટે હાઇટેક લાયન મુવમેન્ટ મોનિટરીંગ સિસ્ટમ વિકસિત કરી છે, જેમાં જૂથમાં રહેતા અમુક સિંહોમાં રેડિયો કોલર લગાવવામાં આવે છે. તેના દ્વારા તેમની હિલચાલ સેટેલાઇટ લિન્ક દ્વારા મોનિટરીંગ સેલમાં નોંધાય છે. અત્યારે મોનિટરીંગ ટીમ દ્વારા રાજ્યના ગીર વન વિસ્તાર અને તટીય ક્ષેત્રમાં રહેતા 40 સિંહો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. સિંહોના વિસ્તારમાં સાત નદીઓ અને જળાશયો છે. તેથી ભારે વરસાદની સ્થિતિમાં જ્યારે પાણીનો પ્રવાહ તોફાની બને છે ત્યારે સિંહ કે માનવ જીવનના બચાવની કામગીરી માટે સાતેય નદી વિસ્તારના વિશેષ સ્થાનો પર ટીમ મૂકવામાં આવી છે. ગીર વિસ્તારમાં રહેતા માલધારીઓને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં વિશેષ ટીમો ખડેપગે: સંભવિત વાવાઝોડું અત્યારે કચ્છ તરફ આગેકૂચ કરી રહ્યું છે. કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. કચ્છમાં નારાયણ સરોવર અભયારણ્ય અને દયાપર રેન્જમાં દયાપર, માતાનો મઢ, બરડા અને નારાયણ સરોવર ખાતે ચાર રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી છે. તે સિવાય કચ્છના મોટા રણ વિસ્તારમાં પાંચ સભ્યો ધરાવતી કુલ 13 ટીમ કચ્છ સર્કલમાં બનાવવામાં આવી છે. વન્યપ્રાણીઓની મદદ માટે વધારાની 6 વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી છે. જેસીબી, ટ્રેક્ટર અને અન્ય જરૂરી સાધનોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાનો પર ગોઠવવામાં આવ્યા છે. બચાવ કામગીરી કે અન્ય જરૂરિયાત માટે ઘોરાડ અભયારણ્યમાં ત્રણ ટીમ તહેનાત કરવામાં આવી છે.
'ચક્રવાતના પડકારો સામે સરકાર સજ્જ': રાજ્ય સરકારની આ તૈયારીઓ અંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “આ ચક્રવાતના પડકારોને પહોંચી વળવા માટે અમે સંપૂર્ણપણે તૈયાર અને સજ્જ છીએ. સરકારે અમને અગાઉથી જાણ કરી હોવાથી, અમારી પાસે અમારી SOP તૈયાર છે. અમે પડકારોનો સામનો કરવા માટે વિવિધ ટીમો બનાવી છે. સરકારે અગાઉથી જરૂરી આયોજન અને તકેદારી અંગે પ્લાન બનાવ્યો છે, અને તે અંગેની તાકીદે બેઠકો યોજી હોવાથી, ફીલ્ડ પરની તૈયારી અને અમલીકરણ દરમિયાન આવતા પડકારોનો સામનો કરવા માટે પૂરતો સમય મળ્યો છે.”