ગાંધીનગરઃ ગુજરાત સરકારે 4 ફેબ્રુઆરીએ રાજ્યની તમામ જમીનોના જંત્રીનો ભાવ ડબલ કર્યો હતો. ત્યારે હવે બિલ્ડર એસોસિએશન આ ભાવવધારાના વિરોધમાં સામે આવ્યો છે. આજે (સોમવારે) ગાંધીનગરમાં મુખ્યપ્રધાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બિલ્ડર એસોસિએશનની એક બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારે રાતોરાત જંત્રીમાં ભાવવધારો કર્યો છે. ત્યારે સરકારનો આ નિર્ણય અત્યારે મુલતવી રાખી 1 મેથી અમલમાં આવે તેવી બિલ્ડર એસોસિએશને માગ કરી હતી.
બિલ્ડર્સ એસોસિએશને કરી રજૂઆતઃ જંત્રીના ભાવ બાબતે ક્રેડાઈના ગુજરાત પ્રેસિડેન્ટ હેમંત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક હતી અને સરકારે રાતોરાત જંત્રીમાં જે ભાવવધારો કર્યો છે. તે નિર્ણયને મુલતવી રાખવામાં આવે અને 1 મેથી અમલીકરણ કરવામાં આવે તે અમારો મુખ્ય મુદ્દો હતો.
મકાનોના ભાવ 35 ટકા જેટલો વધશેઃ તેમણે ઉમેર્યું હતું કે, રાતોરાત જંત્રીમાં ભાવવધારો કરવાના કારણે જે મકાનોમાં સોદો નક્કી થઈ ગયો હોય તેમાં ગ્રાહકો સાથે સીધું ઘર્ષણ ઊભો થાય. એટલે અમે કહ્યું છે કે, ત્રણ મહિના પછી એટલે કે 1 મેથી આ નિયમ લાગુ કરવામાં આવે. જ્યારે આ નિર્ણયથી મકાનોના ભાવમાં 35 ટકા જેટલો વધારો થઈ શકે છે.
સરકાર આજ નિર્ણય યથાવત્ રાખશે તો?: ક્રેડાઈના પ્રેસિડેન્ટ હેમંત પટેલે ETV Bharatના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય કરવામાં ન આવે તો અને આ જ નવા રેટ પ્રમાણેની જંત્રી યથાવત્ રખાશે. તો જે મકાનના સોદા થઈ ગયા છે, પરંતુ હજી સુધી તેમના રજીસ્ટર થયા નથી ત્યારે આવી પરિસ્થિતિમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં વધારો થઈ શકે છે. ઉપરાંત બિલ્ડરને ઈન્કમ ટેક્સમાં પણ વધારો થઈ શકે છે. આમ, બાકી 13 ટકા જેટલો વધારો અત્યારે સામાન્ય ગ્રાહકો ઉપર પણ નોંધાશે.
સરકાર સરવે કરાવીને જંત્રી ભાવ નક્કી કરેઃ ક્રેડાઈના પૂર્વ ચેરમેન સંદીપ શેઠે જણાવ્યું હતું કે, અમારી સૌથી પહેલી રજૂઆત જંત્રીના ભાવ બાબતે હતી. જે એક જ દિવસમાં સરકારે ડબલ કરવાનો નિર્ણય કર્યો છે, તેને ત્રણ મહિના માટે મુલતવી કરવામાં આવે. જ્યારે 3 મહિના દરમિયાન જે કોઈ પણ સાયન્ટિફીક વધારો છે તેનો સરવે કરીને જે વિસ્તારમાં જેટલી જંત્રીની જરૂરિયાત હોય તેટલી જંત્રીનો વધારો કરવામાં આવે. આમ, જે જગ્યાએ જંત્રી 4 ગણી કરવાની હોય તે જગ્યા ઉપર 4 ગણી જંત્રી કરવામાં આવે તો પણ કોઈ વાંધો નથી.
મકાનના ભાવમાં 30 ટકાનો જંગી વધારો થશેઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરાયો છે. તેની ઉપર રાજ્ય સરકાર અકબંધ રહેશે તો બિલ્ડર કરતા ગ્રાહકો ઉપર તેની અસર જોવા મળશે કે, જે વ્યક્તિએ 20થી 25 લાખના ફ્લેટની ખરીદી નક્કી કરવાનું કર્યું હોય ત્યારે એની જગ્યાએ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનનો ભાવ ડબલ થઈ જશે. આ કમરતોડ કરનારો વધારો હશે. જ્યારે બિલ્ડરને પણ જંત્રીના ભાવ વધારાની અસર થશે. સરકારના આ નિર્ણયના કારણે ગ્રાહક વર્ગ સાથે સીધું ઘર્ષણ ઊભું થશે અને ગ્રાહક અને બિલ્ડર વચ્ચેના પ્રશ્નો ઊભા થશે. આમ, 25થી 30 લાખના ફ્લેટનો ભાવ 40 લાખ રૂપિયા સુધી પહોંચી જશે.
રેરામાં બિલ્ડરોએ કરાવ્યું હોય છે રજિસ્ટ્રેશનઃ ગુજરાતમાં બિલ્ડર દ્વારા પોતાના પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન રેરાની હસ્તગત કરવાનું હોય છે. રેરામાં કરાવેલું રજિસ્ટ્રેશનમાં યુનિટની કિંમત પણ દર્શાવવામાં આવી હોય છે. ત્યારે આ બાબતે સંદીપ શેઠે જણાવ્યું હતું કે, બિલ્ડર દ્વારા રેરામાં એક ચોક્કસ રકમ લખીને મકાનના ભાવની કિંમત નક્કી કરી હોય છે અને તેનું રેરામાં રજિસ્ટ્રેશન પણ કરાયું હોય છે. ત્યારે એકાએક ભાવવધારો થવાના કારણે અમે રેરામાં કઈ રીતે કમ્પ્લાઇન્સ કરીશું. જૂના ભાવની વાત કરીએ તો, ગુજરાતની તમામ મહાનગરપાલિકાના કુલ 50,000થી વધુ પ્રોજેક્ટ છે. અત્યારે આ તમામ પ્રોજેક્ટ રેરામાં ભાવ સાથે સબમિટ થઈ ગયા છે.
સરકારે આપ્યું આશ્વાસનઃ ક્રેડાઈના પૂર્વ ચેરમેન સંદીપ શેઠે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમારી તમામ રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી છે. ઉચ્ચ અધિકારીઓએ પણ અમારી તમામ મુદ્દા ઉપરની નોંધ લીધી છે. તેમણે એવો વિશ્વાસ અમને આપ્યો છે કે, તમામ મુદ્દા ઉપર અમે ચોક્કસથી વિચારણા કરીશું અને અમે તે બાબતે સારો અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે બાબતનો ઉકેલ લાવીશું.