ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બની ગયું છે, તેવામાં સરકારે આજે અમદાવાદને સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આજે રાજ્યમાં કોરોનાના કુલ 380 નવા કેસ નોંધાયા છે. અમદાવાદની સ્થિતિને પહોંચી વળવા માટે આજે ઉચ્ચ અધિકારીઓને સતત મેરેથોન બેઠક યોજાઇ હતી. તેમ છતાં છેલ્લા 24 કલાકમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે.
અમદાવાદની અંદર કેસ ઘટાડવા માટે પોલીસની ટુકડીઓ પણ વધારે મૂકવામાં આવી રહી છે, ત્યારે માત્ર દૂધ અને દવાની દુકાન જ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેવા સમયે છેલ્લા ચોવીસ કલાકના આંકડા મરણ અને નવા કેસમાં અમદાવાદ ટોપ ઉપર રહ્યું છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ કોરોનાના કેસોની માહિતી આપતા કહ્યું કે, આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં નવા વધુ 380 કેસ નોંધાયાં છે. અમદાવાદમાં સૌથી વધુ 291 કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે વધુ 28 લોકોના મૃત્યુ થયાં છે.
સુરતમાં 31, વડોદરામાં 16, ગાંધીનગરમાં 4, બનાસકાંઠા 15, મહીસાગર 2, ભાવનગરમાં 6, બનાસકાંઠામાં 15 કેસ નોંધાયા છે. 4703 લોકો હાલ સારવાર હેઠળ છે અને 26 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 119 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 6625 થયો છે. જ્યારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 4735 થયો છે.