ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી કન્જક્ટીવાઈટીસ વાયરસ એટલે કે આંખ આવવાના રોગના કેસમાં એક જ ઝાટકે સામે આવ્યા હતા. રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હતું. ત્યારે તાત્કાલિક ધોરણે સમગ્ર જિલ્લામાં તપાસ અભિયાન અને આંખની બીમારી થાય તો શું કરવું તેની જાણકારી બહાર પાડવામાં આવી હતી. ત્યારે હવે કન્જક્ટીવાઈટીસ કેસમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ દૈનિક 25 થી 30 હજાર કેસ નોંધાતા હતા. જેની સામે હવે ફક્ત 10 થી 15 હજાર કેસ નોંધાય છે.
સ્થિતિ સામાન્ય બની : ETV BHARAT કન્જક્ટીવાઈટીસ વાયરસ બાબતે આરોગ્ય નિયામક નીલમ પટેલ સાથેની વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં કેસ એકદમ પીક પર પહોંચ્યા હતા. 3 ઓગસ્ટના રોજ 25 થી 30 હજાર જેટલા કેસ સમગ્ર રાજ્યમાં નોંધાયા હતા. પરંતુ હવે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના તમામ કોર્પોરેશન અને જિલ્લામાં કન્જક્ટીવાઈટીસ વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે.
હવે દૈનિક સરેરાશ ફક્ત 10,000 જેટલા કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાંથી કન્જક્ટીવાઈટીસ વાયરસના એક સાથે કેટલાય કેસ સામે આવ્યા હતા. ત્યારે હવે સુરતમાં પ્રતિ દિન ફક્ત 200 જેટલા જ કેસો નોંધાઇ રહ્યા છે.-- નીલમ પટેલ (નિયામક, આરોગ્ય વિભાગ)
રાજ્યમાં રસીનો સ્ટોક : આરોગ્ય નિયામક નિલમ પટેલે કન્જક્ટીવાઈટીસ વાયરસની રસીના સ્ટોક અંગે પણ જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં ફક્ત 2.50 લાખ રસીના ડોઝ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ વધુ 2 લાખ ડોઝ આવ્યા છે. જો ડોઝમાં ઘટાડો અથવા તો કોઈ મુશ્કેલી આવે તો આજુબાજુના જિલ્લામાંથી સ્ટોક મંગાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત વધુમાં 8 લાખ ડોઝનો ઓર્ડર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. જે 22 ઓગસ્ટના રોજ તમામ જિલ્લામાં રસીના જથ્થાનું વિતરણ કરી દેવામાં આવશે.
કન્જક્ટીવાઈટીસ વાયરસ : નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાયરસ દ્વારા ફેલાઈ રહ્યો હતો. આ સંદર્ભે એમ એન્ડ જે આઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થલ્મોલોજી અમદાવાદ ખાતે કન્જક્ટીવાઈટીસ દર્દીઓની આંખમાંથી લેવાયેલ નમૂનાની લેબોરેટરી પરિક્ષણમાં પણ આ વાયરસની હાજરી જોવા મળી છે.